નવેમ્બર 2022માં સેન્ડ્રિંગહામની ડેરી શોપ બહાર જનક પટેલની લૂંટ બાદ હત્યા કરવામાં આવી હતી, હત્યારા ફ્રેડરીક હોબ્સનને ઓકલેન્ડ હાઇકોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી, 15 વર્ષ સુધી નોન-પેરોલની પણ સજા


લૂંટના અન્ય સાથી શેન ટેનને ચાર વર્ષ અને 6 વર્ષ કેદની સજા
ઓકલેન્ડના સૌથી ચર્ચાસ્પદ બનેલા જનક પટેલ હત્યા કેસમાં આખરે પરિજનોને ન્યાય મળ્યો છે. ઓકલેન્ડની હાઇકોર્ટ દ્વારા હત્યારા ફ્રેડરિક હોબ્સનને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે જેમાં 15 વર્ષ સુધી નોન- પેરોલની અવધિનો પણ સમાવેશ થાય છે.


ફ્રેડરિક હોબ્સન, જેણે હત્યાનો ગુનો કબૂલ્યો હતો અને શેન ટેન, જેણે ઉગ્ર લૂંટનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, બંનેને આજે સવારે ઓકલેન્ડની હાઈકોર્ટમાં સજા સંભળાવવામાં આવી હતી. હોબ્સનને 15 વર્ષની નોન-પેરોલ અવધિ સાથે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે ટેનેને ચાર વર્ષ અને છ મહિનાની કેદની સજા કરવામાં આવી હતી.
નવેમ્બર 2022 માં સેન્ડ્રિંગહામ, સેન્ટ્રલ ઓકલેન્ડમાં રોઝ કોટેજ સુપરેટમાં કામ કરતી વખતે જનક પટેલની છરી વડે હત્યા કરવામાં આવી હતી. હોબસનના સજા અંગે આજે જાહેર કરવામાં આવી હતી 36 વર્ષીય વ્યક્તિ સજા વખતે જસ્ટિસ સિમોન મૂરે પેરોલ માટે અરજી કરી શકે તે પહેલાં હોબસનને ઓછામાં ઓછા 15 વર્ષ સજા ભોગવવી પડશે તેવી શરત સાથે આજીવન કેદની સજાનો આદેશ આપ્યો.
હોબ્સને કોર્ટમાં પત્ર દ્વારા કહ્યું, હું ધિક્કારને પાત્ર, દિલથી માફી માંગુ છું
હોબ્સને તેના વકીલ દ્વારા મોટેથી વાંચવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે “હું મારા ધિક્કારપાત્ર વર્તન માટે દિલથી માફી માંગુ છું,” “હું કબૂલ કરું છું કે હું એક કાયર અને નિમ્ન જીવનનો ગુનેગાર છું, મને ડ્રગની લત અને કાયદા પ્રત્યે આદર નથી. “મારી ક્રિયાઓનું પરિણામ છે, અને તે એવી વસ્તુ છે જેનો હું ચુકાદાના દિવસે સામનો કરીશ.”


અંતિમ ક્ષણોમાં શું બન્યું હતું ?
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં જનક પટેલની હત્યા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા જ વિશ્વાસના આધારે ઓકલેન્ડની રોઝ કોટેજ સુપરેટ્ની કમાન જનક પટેલને સોંપવામાં આવી હતી. જોકે જીવનમાં કંઇક અલગ જ લખ્યું હતું. જનક પટેલનો સામનો ઓટાહુહુના ફ્રેડરિક ગિલ્બર્ટ હોબ્સન સાથે થયો હતો.
ડેરી લૂંટીને ભાગતા આરોપીને અટકાવવામાં જનક પટેલને જીવ ગુમાવવાનો વારો આવ્યો. પોતાના પરસેવાની કમાણીને આમ લૂંટતી અટકાવવા જતા જનક પટેલે હોબ્સનનો મક્કમતાથી સામનો કર્યો હતો. હવે જ્યારે સમગ્ર હત્યાકાંડમાં હોબ્સનને દોષિત ઠેરવવામાં આવ્યો છે ત્યારે નવેમ્બર 2022માં થયેલી લૂંટ અને ત્યારપછીના જીવલેણ મુકાબલાની વિગતો આજે સવારે ઓકલેન્ડમાં હાઈકોર્ટમાં હત્યા અને ઉગ્ર બનેલી લૂંટ માટે હોબસનની દોષિત અરજીઓ બાદ પ્રથમ વખત જાહેર કરવામાં આવી છે. આખરે એ દિવસે શું બન્યું હતું ? કેવી રિતે હોબ્સને જનક પટેલની હત્યા કરી હતી.
ઓકલેન્ડ ડેરીના મેનેજર જનક પટેલે એક રાત્રે પીછેહઠ ન કરવાનું નક્કી કર્યું, જ્યારે એક હોબ્સને બળજબરી પૂર્વક ડેરી શોપમાં લૂંટ કરી હતી. હોબ્સન લૂંટ મચાવીને નાસી છૂટ્યો હતો. જોકે વિચારવા માટે વધુ સમય આપ્યા વિના, જનક પટેલ હોકી સ્ટીકને લઇને ડેરી શોપથી 150 મીટરના અંતરે 35 વર્ષીય ફ્રેડરિક ગિલ્બર્ટ હોબસનની પાછળ દોડ્યો હતો.
જનક પટેલ, જેઓ થોડા મહિનાઓ પહેલા જ ન્યુઝીલેન્ડમાં સ્થળાંતરિત થયા હતા અને ડેરીના માલિક વિદેશ પ્રવાસે હતા ત્યારે સેન્ડ્રિંગહામમાં રોઝ કોટેજ સુપરેટની દેખરેખ માટે થોડા દિવસો પહેલા જ હેમિલ્ટનથી ઓકલેન્ડ આવ્યા હતા. હોબ્સન રાત્રે 8 વાગ્યાના સુમારે અચાનક છરી અને બ્રાઉન પેપર બેગ સાથે આવી પહોંચ્યો હતો. હોબ્સન લગભગ 45 સુધી ડેરીની આસપાસના વિસ્તારમાં રહ્યો હતો. હોબ્સને લૂંટની છેલ્લી થોડી મિનિટો ધંધાની બહાર ટેલિફોન બૂથમાં વિતાવી હતી અને વાહનો અને રાહદારીઓ પસાર થતાં કોલ કરવાનો ઢોંગ કર્યો હતો.
કોર્ટના દસ્તાવેજો જણાવે છે કે, “મિસ્ટર હોબ્સન સુપરેટના કાઉન્ટરની પાછળ કૂદ્યા હતા અને લાકડાના બે બંધ પેનલો વચ્ચે રસ્તો બળજબરીથી ખોલીને કેશ પેટી ઉઠાવી લીધી હતી. કોર્ટના દસ્તાવેજો જણાવે છે કે પીડિતાની પત્ની તે સમયે સ્ટોરની આગળ હતી અને અચાનક થયેલી ઘટનાથી ડરીને તે ભાગી ગઈ હતી. આ સમયે જનક પટેલ રૂમમાં જ મોજુદ હતા. જોકે હોબ્સને હાથમાં ચાકુ પકડેલું હોવાથી બંને દંપત્તિ રૂમમાં જ રહ્યા હતા. કેશ પેટી ઉઠાવતા પહેલા હોબ્સને બ્યુટેન લાઇટર અને વેપ્સ પણ ચોર્યા હતા.
કેસના તથ્યોના સંમત સારાંશ મુજબ, “હોબ્સન હેવરસ્ટોક રોડ પર ડાબે વળ્યા અને ડંકન એવન્યુ તરફ ભાગી ગયા હતા. જોકે ત્યારબાદ અચાનક જ જનક પટેલે હોકી સ્ટિક કાઢી હતી અને તેઓ હોબ્સનની પાછળ દોડ્યા હતા. હોબ્સને કેશની લૂંટ બાદ રબિશ બિનમાં કેશ પેટી ફેંકી દીધી હતી. જોકે જનક પટેલ મોટા અવાજ સાથે હોકી સ્ટિક લઇને પોતાના તરફ આવી રહ્યો હોવાથી હોબ્સને ઝાડની ડાળી તોડીને જનક પટેલ પર હુમલો કર્યો હતો. આ તરફ જનક પટેલે પણ મક્કમતા પૂર્વક હોબ્સન તરફ હોકી સ્ટિક ઉગામી હતી. જેથી બચવા માટે હોબ્સન થોડો પાછળ ખસી ગયો હતો.
આ જપાજપી થોડી સેકન્ડ્સ સુધી ચાલી હશે ત્યાં જ હોબ્સને તકનો લાભ લઇને ચાકુ વડે જ સીધો હુમલો જનક પટેલ પર કર્યો હતો. જેના કારણે જનક પટેલ બેલેન્સ ગુમાવ્યા બાદ જમીન પર પડ્યા હતા. જ્યારે તેઓ સંપૂર્ણ અસુરક્ષિત સ્થિતિમાં પહોંચ્યા ત્યારે હોબ્સને જનક પટેલ પર ચાકુ વડે હુમલો કરી દીધો. પોતાને ઇજા પહોંચી હોવા છતાં પણ જનક પટેલે લડવાનું ચાલુ રાખ્યું હતું અને ફરીથી હોકી ઉઠાવીને પોતાના બળે ઉભો થયો હતો. પરંતુ આ વખતે હોબ્સન વધુ ઘાતક બની ચૂક્યો હતો. જેના કારણે તેણે સીધા જ ચાકુનો હુમલો જનક પટેલની ગરદન પાસે કર્યો હતો. બસ આ જ ક્ષણે જનક પટેલ ફરીથી જમીન પર પટકાયા હતા. અહીંથી જનક પટેલ પોતાને હોબ્સનથી દૂર કરવા માગતા હતા જેથી તેણે રબિશ બિન પાછળ જવાનું નક્કી કર્યું હતું.
હોબ્સન જનક પટેલ પર એટલો રોષે ભરાયો હતો કે તેણે જનક પટેલને જાનથી મારી નાખવાનું જ નક્કી કર્યું હતું. તેણે ફરીથી જનક પટેલ પાસે ચાકુ લઇને જવાની કોશિશ કરી હતી. જોકે જનક પટેલ રોઝ કોટેજ સુપરેટ બાજુ ભાગી જવામાં સફળ રહયા હતા. અહીંથી હોબ્સન પોતાનો સામાન લઇને પાછો ફર્યો હતો. જ્યાં તે એક વાહનમાં બેસીને ભાગી છૂટ્યો હતો. તો આ તરફ પટેલ ડેરી શોપ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ઇજાના કારણે જ ફસડી પડ્યા હતા. વધુ લોહી વહી જવાને કારણે જનક પટેલનું મોત થયું. તેના પર છ ચાકુના વાર થયા હતા. જેમાં એક તેની છાતી પર અને બીજા પીઠ પર ઘા કરવામાં આવ્યા હતા. આ તરફ ગરદન પાસે પણ તેને વાગ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ દ્વારા સમગ્ર ઘા અંગેની માહિતી બહાર આવી છે.
ઘટનાના સમગ્ર ન્યુઝીલેન્ડ અને ગુજરાત સહિત ભારત સરકાર સુધી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેના કારણે ઓકલેન્ડ પોલીસે આકાશ પાતાળ એક કરીને હોબ્સનની ધરપકડ કરી હતી. ત્યારબાદ અન્ય બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પર હત્યાના પક્ષમાં ઉભા રહેવાના આરોપ લગાવવામાં આવ્યા અને હોબ્સનને મદદ કરવાના આરોપ લાગ્યા હતા.
જનક પટેલના મૃત્યુથી દેશવ્યાપી આક્રોશ ફેલાયો હતો. સેંકડો લોકોએ સંગઠિત બનીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેના પગલે તત્કાલિન વડાપ્રધાન જેસિંડા આર્ડનની સરકાર પર પણ દબાણ વધ્યું હતું.
Leave a Reply