કેશ મશીન લઇને ચોર ફરાર, 13મી જુલાઇ, શનિવારે સવારે 8 કલાકે ચોરીનો બનાવ બનતા પોલીસ પેટ્રોલિંગના દાવા ફરીથી પોકળ સાબિત થયા


ઓર્ડર માટેના બે ટેબલેટ, રેસ્ટોરન્ટનો આઇફોન અને કેશ ટીલની ચોરી, દરવાજાનો કાચ તોડીને અંદર ઘૂસ્યો ચોર
આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ઓકલેન્ડમાં ચોરીનો બનાવ બનવો એ કોઇ નવી વાત નથી પરંતુ સવાર સવારમાં બંધ રેસ્ટોરન્ટમાં ચોરી થવી એ થોડું અચરજ ભર્યું છે. ઓકલેન્ડના ડોમિનિયન રોડ પર આવેલી સ્વાગત ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં 13મી જુલાઇ શનિવારે સવારે 8 કલાકે જ ચોરીનો બનાવ પામ્યો છે.
બનાવની વિગત પ્રમાણે સવારે 8 કલાક આસપાસ ગઠિયાએ ચોરીને અંજામ આપ્યો છે. અંદાજે 15થી 20 મિનિટ સુધી મુખ્ય દરવાજાનો કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ થાય છે કે ચોરે બારી તોડીને રેસ્ટોરન્ટમાં પ્રવેશ કર્યો હતો. રેસ્ટોરન્ટના ઓનર દિવ્યાંગ જાનીએ જણાવ્યું હતું કે સવાર સવારમાં ચોરી થવી એ આશ્યર્યજનક છે, પરંતુ અમે તેનો શિકાર બન્યા છીએ. ઓકલેન્ડમાં સુરક્ષાની સ્થિતિ વણસી જરૂર છે પરંતુ સવાર સવારમાં ચોરીનો બનાવ વિચારવાની હદની બહાર છે.
ચોરીના આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે અને પોલીસ ટીમ તથા ફોરન્સિક ટીમ દ્વારા રેસ્ટોરન્ટમાં તપાસ પણ કરવામાં આવી છે. દિવ્યાંગે જણાવ્યું હતું કે ચોર રેસ્ટોરન્ટના કબાટને તોડીને બે ઓર્ડર ટેબલેટ, ટીલ મશીન, રેસ્ટોરન્ટનો આઇફોન મોબાઇલ ચોરીને લઇ ગયો હતો. દિવ્યાંગ જાનીએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટને અંદાજે 9થી 10 હજાર ડોલરનું નુકસાન થયું છે.
ચોરીની જાણ ત્યારે થઇ જ્યારે સવારે 11 કલાકે શેફ રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા. તેમણે જોયું કે દરવાજાનો કાચ તૂટેલો હતો. ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ફોરેન્સિક ટીમે પણ રેસ્ટોરન્ટનું નિરીક્ષણ કર્યું હતું.
Leave a Reply