કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સુખ્ખુ સાથે કરી વાત, અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન








હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુના નિર્મંડ બ્લોક, કુલ્લુના મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્યાએથી લગભગ 53 લોકો ગુમ થયા છે. અહીં 35 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. વાદળ ફાટવાની ઘટના બાદ આજે મંડી વિસ્તારની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. ડીસીએ આદેશ જારી કર્યા છે.
મંડીના થલતુખોડમાં મધરાતે વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ હતી. અહીં મકાન તૂટી પડવાની માહિતી છે. રોડ કનેક્ટિવિટી પણ ઠપ્પ થઈ ગઈ છે. SDRF સહિત અન્ય ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. થલતુખોડ પંચાયતના વડા કાલી રામે જણાવ્યું હતું કે તેરાંગ અને રાજબન ગામમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં ઘણા લોકો ગુમ છે. ત્રણ મકાનો ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે.
પધાર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો ગુમ થયાની માહિતી મળી છે, એક લાશ મળી આવી છે. જ્યારે 35 સલામત છે. મંડી જિલ્લા પ્રશાસને બચાવ માટે એરફોર્સને એલર્ટ કરી દીધી છે. જ્યારે મદદની જરૂર પડશે ત્યારે સેવાઓ માંગવામાં આવશે. એનડીઆરએફને પણ મદદ માટે વિનંતી કરવામાં આવી છે.
આ સિવાય શિમલા-કુલુ બોર્ડર પર વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. SDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, કુલ્લુના નિર્મંડ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. જેના કારણે ભારે નુકશાન થયું છે. 20 થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે.
Leave a Reply