ભારતના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ન્યૂઝીલેન્ડના ટ્રેડ મિનિસ્ટર ટોડ્ મેક્લી વચ્ચે યોજાઇ બેઠક
ભારત સરકારે માહિતી આપી છે કે ન્યુઝીલેન્ડના સત્તાવાળાઓએ લખનૌ અને દિલ્હીમાં કેરીની ગુણવત્તા ચકાસતી તથા માવજત માટેની VHT સુવિધાઓનું ઓડિટ કર્યું, ભારત સરકારને આશા છે કે VHT સુવિધાઓમાંથી નિકાસને ન્યૂઝીલેન્ડ દ્વારા પણ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે. જેના કારણે ન્યુઝીલેન્ડમાં ભારતીય કેરીની નિકાસમાં વધુ વધારો થશે.


બંને દેશો વચ્ચે કૃષિ ભાગીદારીને વધુ મજબૂત કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
ભારતના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના પ્રતિનિધિમંડળ સાથે ન્યુઝીલેન્ડના કૃષિ, વનીકરણ, વેપાર અને વિદેશી બાબતોના સહાયક મંત્રી ટોડ મેકલે સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દ્વિપક્ષીય બેઠક નવી દિલ્હીના કૃષિ ભવન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પરસ્પર હિતના મુખ્ય ક્ષેત્રો અને સહકારની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ચર્ચાઓ બંને દેશોની કૃષિ પ્રાથમિકતાઓ પર માહિતીની આપ-લે કરવા અને બાગાયત પર પ્રસ્તાવિત સહકાર મેમોરેન્ડમ (MOC) સહિત ભાગીદારીના નવા માર્ગો શોધવા પર કેન્દ્રિત હતી. બંને મંત્રીઓએ કૃષિ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણે ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માટે ન્યુઝીલેન્ડના સક્રિય પ્રયાસોની પ્રશંસા કરી અને આ સંબંધ માટે ન્યુઝીલેન્ડ સરકારની ચાલુ પ્રતિબદ્ધતાના મહત્વને સ્વીકાર્યું હતું. તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક, વેપાર અને સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો, ન્યુઝીલેન્ડમાં ભારતીય ડાયસ્પોરાના નોંધપાત્ર યોગદાન અને દેશો વચ્ચે વધતા શૈક્ષણિક વિનિમયની નોંધ લીધી હતી.
આ બેઠકમાં ન્યુઝીલેન્ડના ભારતમાં હાઈ કમિશનર પેટ્રિક રાટા ઉપરાંત બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. મીટિંગ દરમિયાન વેપાર અને બજારની પહોંચમાં સકારાત્મક વિકાસની ખાસ કરીને ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય દાડમની આયાત અને કેરીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માટે ન્યુઝીલેન્ડના સમર્થનનો ઉષ્માભર્યો સ્વીકાર કરવામાં આવ્યો હતો. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લખનૌ અને દિલ્હીમાં નવી ઓડિટ કરાયેલ વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT) સુવિધાઓની વહેલી મંજૂરીની આશા પણ વ્યક્ત કરી હતી, જે ન્યુઝીલેન્ડમાં ભારતીય કેરીની નિકાસમાં વધુ વધારો કરશે.
શું છે વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT) ?
VHT મશીનો છે, જેના દ્વારા કેરીની માવજત કરવામાં આવે છે. VHT એ ફળની માખી જેવા જીવાતોને નિયંત્રિત કરવાની અસરકારક પદ્ધતિ છે. ઘણા દેશો સારવાર વિના કેરી સ્વીકારતા નથી. તેથી નિકાસ કરતા પહેલા કેરીની ગરમ પાણીની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જેથી તેની ગુણવત્તા જળવાઈ રહે. મહારાષ્ટ્ર એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડે મુંબઈના વાશીમાં VHT મશીન સ્થાપિત કર્યું છે. જ્યાંથી જાપાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, યુરોપિયન દેશો અને મોરેશિયસ વગેરે દેશોમાં ટ્રીટમેન્ટ બાદ કેરીની નિકાસ કરવામાં આવે છે. જો કે, APEDA અનુસાર, ભારતે 2023-24 દરમિયાન ન્યુઝીલેન્ડને માત્ર રૂ. 3.77 કરોડની કેરીની નિકાસ કરી હતી, જે ઘણી ઓછી છે. જોકે આ વર્ષે દ્રાક્ષની નિકાસ થઈ નથી. જો નિકાસ વધશે તો ખેડૂતોને લાભ મળશે.


વધુમાં, ન્યુઝીલેન્ડના કૃષિ મંત્રીએ તાજેતરમાં ન્યુઝીલેન્ડથી ભારતમાં પાઈન લોગની નિકાસ ફરી શરૂ કરવા બદલ આભાર માન્યો હતો. કેન્દ્રીય મંત્રી ચૌહાણે આ ક્ષેત્રમાં સતત સહકાર માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને નારંગી અને કેળા જેવા તાજા અને સૂકા ફળો સહિત અન્ય કૃષિ ઉત્પાદનોમાં વેપાર વધારવાની સંભાવના પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને ભારતીય નિકાસકારોને ન્યુઝીલેન્ડમાં દ્રાક્ષની નિકાસ કરવા માટે વહેલી બજાર પહોંચની વિચારણા કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો. બંને પક્ષો દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વધુ વધારવા માટે ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરવા સંમત થયા હતા.
આ બેઠકમાં સંશોધન અને વિકાસ, ખાસ કરીને બાગાયત અને મત્સ્યઉદ્યોગમાં ટેકનિકલ સહયોગના મહત્વ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, આ ક્ષેત્રમાં સહકારની વિશાળ સંભાવનાને ઓળખી હતી. બંને મંત્રીઓએ બંને દેશોના ખેડૂતો, ઉત્પાદકો અને ગ્રાહકોને લાભ આપતા આર્થિક અને વેપારી સંબંધોને મજબૂત કરવા સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
શિવરાજ સિંહ ચૌહાણે ન્યૂઝીલેન્ડના કૃષિ પ્રધાન મેકલે અને તેમના પ્રતિનિધિમંડળને ભારતમાં ફળદાયી અને આનંદપ્રદ રોકાણની શુભેચ્છા પાઠવતાં બેઠકનું સમાપન થયું.
Leave a Reply