મોદી 3.0ના 100 દિવસના એજન્ડામાં વન નેશન-વન ઈલેક્શનનો રિપોર્ટ કેબિનેટ સમક્ષ મૂકવાનું કર્યું હતું એલાન


વન નેશન-વન ઈલેક્શન એટલે કે એક દેશ-એક ચૂંટણીને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે (18 સપ્ટેમ્બર) એક દેશ, એક ચૂંટણી પર રજૂ કરેલા અહેવાલને મંજૂરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વન નેશન-વન ઈલેક્શન બિલ સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ લોકસભા ચૂંટણી 2024 પહેલા માર્ચ મહિનામાં કેબિનેટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. મોદી 3.0ના 100 દિવસના એજન્ડામાં વન નેશન-વન ઈલેક્શનનો રિપોર્ટ કેબિનેટ સમક્ષ મૂકવાનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 17 સપ્ટેમ્બરે જ કહ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન વન નેશન-વન ઇલેક્શન લાગુ કરશે. આ પહેલા ગત સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક દેશ, એક ચૂંટણીની જોરદાર હિમાયત કરી હતી.
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે અવારનવાર ચૂંટણીના કારણે દેશની પ્રગતિમાં અવરોધ આવી રહ્યો છે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે દેશે આગળ આવવું પડશે. નોંધનીય છે કે ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વન નેશન-વન ઈલેક્શનના મુદ્દાને પણ સ્થાન આપ્યું છે.
Leave a Reply