‘ચોકર્સ’ દક્ષિણ આફ્રિકાનું સપનું ફરી તૂટ્યું, ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવ્યું, એમિલિયા કેરે બેટિંગમાં 43 રન તથા 3 વિકેટ ઝડપી વ્હાઇટ ફર્નને ચેમ્પિયન બનાવી










ન્યૂઝીલેન્ડે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. રવિવારે (20 ઓક્ટોબર) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 9 વિકેટે 126 રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ વખત આ ખિતાબ જીત્યો છે. દક્ષિણ આફ્રિકાનું ટાઈટલ જીતવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું છે. ન્યુઝીલેન્ડની જીતમાં અમેલિયા કેરે મહત્વની ભૂમિકા ભજવી હતી. કેરે બેટથી 43 રન બનાવ્યા અને પછી 3 વિકેટ પણ પોતાના નામે કરી.
આફ્રિકન ટીમ સતત બીજી ફાઈનલ હારી
ન્યુઝીલેન્ડની ટીમ ત્રીજી વખત મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ સતત બીજી ફાઈનલ રમી રહી હતી, પરંતુ આ વખતે પણ તેને નિરાશા હાથ લાગી હતી. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ સોફી ડિવાઈન કરી રહી હતી. લૌરા વૂલવર્ડ દક્ષિણ આફ્રિકાની ટીમની કમાન સંભાળી રહી હતી.
અંતિમ મેચમાં લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન વોલ્વાર્ડ અને તાજમીન બ્રિટ્સે મળીને પ્રથમ વિકેટ માટે 6.5 ઓવરમાં 51 રન જોડ્યા હતા. જોકે, ઓપનિંગ પાર્ટનરશિપ તૂટતાં જ દક્ષિણ આફ્રિકાની ટીમ દબાણમાં આવી ગઈ અને નિયમિત અંતરે વિકેટો ગુમાવી. દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી કેપ્ટન વૂલવર્ડે સૌથી વધુ 33 રનની ઇનિંગ રમી હતી. બ્રિટ્સે 17 રન અને ક્લો ટ્રાયને 14 રનનું યોગદાન આપ્યું હતું. ન્યુઝીલેન્ડ તરફથી એમેલિયા કેર અને રોઝમેરી મેરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જ્યોર્જિયા એમેલિયા કેરે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. કેરે 38 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા ફટકાર્યા. જ્યારે બ્રુક હેલિડેએ 28 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. હેલિડે અને કેર વચ્ચે ચોથી વિકેટ માટે 44 બોલમાં 57 રનની ભાગીદારી થઈ હતી. ઓપનર બેટ્સમેન સુઝી બેટ્સે પણ 32 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી એન મ્લાબાએ બે વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાના નામે સૌથી વધુ 6 ટાઇટલ
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાને કારણે આ મોટી ટૂર્નામેન્ટ બાંગ્લાદેશથી UAEમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ વિજેતા ટીમ ઈંગ્લેન્ડ હતી, જેણે 2009માં આ ખિતાબ જીત્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 2010, 2012, 2014, 2018, 2020, 2023માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 2016માં ટાઈટલ જીત્યું હતું. T20 વર્લ્ડ કપમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2020માં આવ્યું હતું, જ્યારે તે ફાઇનલમાં પહોંચ્યું હતું. જ્યાં ઓસ્ટ્રેલિયાનો 85 રને પરાજય થયો હતો. હવે ન્યુઝીલેન્ડે પ્રથમ વખત આ ખિતાબ જીત્યો છે.
Leave a Reply