વિવિધ દેશોના રાજદ્વારીઓએ વેલિંગ્ટન ખાતે આવેલી ઇન્ડિયન હાઇકમિશનની મુલાકાત લઇને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ સંદેશો પાઠવ્યો


કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં અવસાન થયું હતું. તેમના નિધન પર વિશ્વભરના દેશોએ શોક વ્યક્ત કર્યો છે અને વેલિંગ્ટન ખાતે ઇન્ડિયન હાઇકમિશન ન્યૂઝીલેન્ડ દ્વારા પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ સંદેશો પાઠવવા માટે કોન્ડોલન્સ બૂક મૂકવામાં આવી હતી. ભારતના મિત્ર રાષ્ટ્રોના પ્રતિનિધિઓ દ્વારા હાઇકમિશનની મુલાકાત લઇને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
ઇન્ડિયન હાઇકમિશન ખાતે 26મી ડિસેમ્બર, 2024થી 1 જાન્યુઆરી 2025 દરમિયાન કોન્ડોલન્સ બુક મૂકવામાં આવી હતી. વિવિધ રાષ્ટ્રના પ્રતિનિધિઓ દ્વારા પૂર્વ વડાપ્રધાન અને પદ્મ વિભૂષણ ડૉ.મનમોહન સિંહના યોગદાન અને તેમના સારા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાઇ કમિશન ખાતે અમેરિકા, કેનેડા ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, આર્જેન્ટિના, ચીલી, હંગેરી અને ક્યુબા જેવા દેશોના પ્રતિનિધિઓએ શોક સંદેશો પાઠવ્યો હતો.


પૂર્વ PMના નિધન પર વિશ્વ મીડિયાની પ્રતિક્રિયા
મનમોહન સિંહના નિધન પર વિશ્વ મીડિયામાં ઘણા લેખો પ્રકાશિત થયા છે. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે તેમને મૃદુભાષી અને બૌદ્ધિક ગણાવ્યા છે. વોશિંગ્ટન પોસ્ટે પણ પૂર્વ પીએમના નિધન પર પ્રતિક્રિયા આપી હતી. તેની પોસ્ટમાં, અખબારે તેમને એક એવા નેતા તરીકે વર્ણવ્યા છે જેણે મોટા ફેરફારો કર્યા હતા. અખબારે તેમના બંને કાર્યકાળ પર પણ ટિપ્પણી કરી હતી.
BBCએ પૂર્વ પીએમને આર્થિક સુધારાના પ્રણેતા ગણાવ્યા. આ સિવાય અંગ્રેજી અખબાર ધ ગાર્ડિયને પોતાના લેખમાં મનમોહન સિંહને અનિચ્છાએ વડાપ્રધાન ગણાવ્યા છે.


પીએમ તરીકે મનમોહન સિંહે 72 વિદેશ પ્રવાસો કર્યા
પીએમ તરીકે મનમોહન સિંહે 72 વિદેશ પ્રવાસો કર્યા હતા, જ્યારે મનમોહન સિંહ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર થાઈલેન્ડ ગયા હતા. થાઇલેન્ડની તેમની એક દિવસીય મુલાકાતમાં તેમણે BIMSTEC 2004 સમિટમાં ભાગ લીધો હતો. પોતાના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન PM મનમોહન સિંહે લગભગ 72 વિદેશ યાત્રાઓ કરી હતી. આ પૈકી, તેઓ સૌથી વધુ વખત અમેરિકા ગયા હતા.


વડાપ્રધાન તરીકે મનમોહન સિંહના મહત્વના કરારો
વડાપ્રધાન તરીકે મનમોહન સિંહે ઘણા મોટા કરાર કર્યા હતા. આમાં 2008માં અમેરિકા સાથે થયેલ નાગરિક પરમાણુ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ હતો. આ કરારે ભારત-અમેરિકા સંબંધોની દિશા બદલવાનું કામ કર્યું હતું.
આ સિવાય 2009માં આસિયાન દેશો સાથે કરવામાં આવેલ મુક્ત વેપાર કરાર પણ મહત્વપૂર્ણ હતો. આ સમજૂતી બાદ ભારતને આસિયાન દેશોમાં થતી નિકાસ પર ટેક્સ છૂટ મળી છે. આનાથી ભારત અને આસિયાન દેશો વચ્ચેના સંબંધો પણ મજબૂત થયા હતા. વડાપ્રધાન તરીકે મનમોહન સિંહ દ્વારા મોટા આંતરરાષ્ટ્રીય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેના કારણે તેમને આર્થિક કરારોના પ્રણેતા પણ કહેવામાં આવતા હતા.
Leave a Reply