ભારત 249/9, ઐયર 79 રન, અક્ષર 42, હાર્દિક 45 રન, ન્યૂઝીલેન્ડ 205 રન, વિલિયમ્સન 81 રન, વરુણ ચક્રવર્તી 42 રનમાં 5 વિકેટ, કુલદીપ 2 વિકેટ








મેન ઓફ ધ મેચ વરૂણ ચક્રવર્તી, હર્ષીત રાણાના સ્થાને ટીમમાં છેલ્લી ઘડીએ કર્યો હતો સામેલ
India vs New Zealand : ICC Champions Trophy : ભારતીય ટીમ હાલમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં અજેય રથ પર સવારી કરી રહી છે. તેણે ગ્રુપ સ્ટેજમાં સતત ત્રીજી મેચ જીતી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ગ્રુપ મેચ રવિવારે (2 માર્ચ) ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી આ મેચમાં રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ 44 રનથી જીતી ગઈ હતી.
મેચના હીરો મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર અને સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી હતા. ઐયરે પહેલી બેટિંગમાં ફિફ્ટી ફટકારી હતી. આ પછી, વરુણે 42 રનમાં 5 વિકેટ લીધી હતી. હવે ભારતીય ટીમે 4 માર્ચે દુબઈમાં જ સેમિફાઇનલ રમવાની છે. આ મેચ ગ્રુપ B માં બીજા ક્રમે રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ સામે થશે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીનો બીજો સેમિફાઇનલ 5 માર્ચે લાહોરમાં રમાશે. આ મેચમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે.
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય ટીમે 250 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જવાબમાં, ન્યૂઝીલેન્ડની આખી ટીમ માત્ર 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ માટે કેન વિલિયમ્સને સૌથી વધુ ૮૧ રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. ભારત તરફથી વરુણે 42 રન આપીને 5 વિકેટ લીધી હતી.
ન્યુઝીલેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી
લક્ષ્યનો પીછો કરતી વખતે ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. તેણે રચિન રવિન્દ્રની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. રવિન્દ્ર (6) ને હાર્દિક પંડ્યાની બોલ પર અક્ષર પટેલે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ બીજા ઓપનર વિલ યંગ (22) ને પણ વરુણ ચક્રવર્તીએ બોલ્ડ કર્યો. આ સાથે ન્યુઝીલેન્ડનો સ્કોર 2 વિકેટે 49 રન થઈ ગયો. અહીંથી, અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન અને ડેરિલ મિશેલે મળીને ત્રીજી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી.
ડેરિલ મિશેલની ઇનિંગનો અંત ચાઇનામેન કુલદીપ યાદવે કર્યો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ ટોમ લેથમ (14) ને LBW આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી. જોકે, આ બધા વચ્ચે, કેન વિલિયમસન ક્રીઝ પર રહ્યા અને 77 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.
શ્રેયસ ઐયરે અડધી સદી ફટકારી, હેનરીએ ‘5 વિકેટ’ ફટકાર્યો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 9 વિકેટે 249 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી અને પહેલા પાવરપ્લેમાં જ તેણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને ત્રીજી ઓવરમાં જ પહેલો ઝટકો લાગ્યો. ઉપ-કેપ્ટન શુભમન ગિલ 2 રન બનાવીને ફાસ્ટ બોલર મેટ હેનરીના બોલ પર LBW આઉટ થયો હતો. પછી છઠ્ઠી ઓવરમાં, કેપ્ટન રોહિત શર્મા (15) એ પણ પુલ શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ કાયલ જેમિસનના બોલ પર વિલ યંગ દ્વારા કેચ આઉટ થયો. આ પછી, ભારતીય ટીમને વિરાટ કોહલીના રૂપમાં મોટો ઝટકો લાગ્યો, જે હેનરીના બોલ પર આઉટ થયો. કોહલીનો કેચ ગ્લેન ફિલિપ્સે હવામાં ડાઇવ મારતા પકડ્યો. કોહલીએ બે ચોગ્ગાની મદદથી ૧૧ રન બનાવ્યા હતા.
ત્રણ વિકેટ પડ્યા પછી, અક્ષર પટેલ અને શ્રેયસ ઐયરે સાથે મળીને ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 98 રનની ભાગીદારી થઈ. આ દરમિયાન શ્રેયસે 75 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. શ્રેયસે વર્તમાન ટુર્નામેન્ટમાં સતત બીજી વખત ૫૦ રનનો આંકડો પાર કર્યો. પાર્ટ-ટાઇમ સ્પિનર રચિન રવિન્દ્રએ અક્ષર પટેલને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. અક્ષરે 61 બોલનો સામનો કર્યો અને 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 42 રન બનાવ્યા હતા. અક્ષરના આઉટ થયા સમયે ભારતનો સ્કોર ચાર વિકેટે 128 રન હતો હતો.
અહીંથી કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરે મળીને 44 રનની ભાગીદારી કરી. શ્રેયસ ફુલ ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે સદી તરફ આગળ વધવાનું શરૂ કર્યું. પરંતુ ઝડપી બોલર વિલિયમ ઓ’રોર્કે તેની ઇનિંગનો અંત લાવ્યો. શ્રેયસે 98 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૭૯ રન બનાવ્યા. ત્યારબાદ કેએલ રાહુલ (23) અને રવિન્દ્ર જાડેજા (16) એ સેટ થયા પછી પોતાની વિકેટ ગુમાવી દીધી. રાહુલ મિશેલ સેન્ટનરના સ્પિન દ્વારા ફસાઈ ગયો હતો, જ્યારે જાડેજાને મેટ હેનરીએ આઉટ કર્યો હતો.
હાર્દિક પંડ્યાએ કેટલાક ઝડપી શોટ ફટકારીને ભારતીય ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાર્દિકે 45 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા. હાર્દિક છેલ્લી ઓવરમાં મેટ હેનરીની બોલિંગમાં આઉટ થયો હતો. હાર્દિક બાદ ભારતે મોહમ્મદ શમી (5) ની વિકેટ પણ ગુમાવી દીધી. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી. જ્યારે મિશેલ સેન્ટનર, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક અને રચિન રવિન્દ્રને એક-એક વિકેટ મળી.
ચેમ્પિયન્સ ટ્રોફીની બાકીની મેચો:
4 માર્ચ – સેમિફાઇનલ ૧, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, દુબઈ
5 માર્ચ – સેમિફાઇનલ ૨, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, લાહોર
9 માર્ચ – ફાઇનલ, લાહોર (જો ભારત ફાઇનલમાં પહોંચે તો દુબઈમાં રમાશે)
10 માર્ચ – અનામત દિવસ
Leave a Reply