પૂર્વ IPL ચેરમેન લલિત મોદીએ ભારતીય નાગરિકતા ત્યજી, લંડનમાં ભારતીય હાઇકમિશનની ઓફિસે પાસપોર્ટ જમા કરાવવા અરજી કરી, પ્રત્યાર્પણ હવે મુશ્કેલ


ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું, લલિત મોદી હવે વનુઆતુના નાગરિક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ પ્રમુખ અને IPL ના સ્થાપક લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો ભારતીય પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે. શુક્રવારે વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી. મોદીએ વનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે. તેમના કાનૂની સલાહકાર મહેબૂબ આબાદીએ આ સમાચારની પુષ્ટિ કરી. મહેબૂબ આબાદીએ જણાવ્યું હતું કે લલિત મોદીએ નિર્ધારિત પ્રક્રિયા મુજબ ભારતીય પાસપોર્ટ હકારાત્મક રીતે સરેન્ડર કરવા માટે તમામ જરૂરી પગલાં લીધાં છે.
કરોડો રૂપિયાની ઉચાપતનો આરોપ
IPLના ટોચના અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની ઉચાપત કરવાના આરોપમાં લલિત મોદી ભારતીય કાયદા અમલીકરણ એજન્સીઓની વોન્ટેડ યાદીમાં છે.
વિદેશ મંત્રાલયનો જવાબ આવ્યો બહાર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવા માટે અરજી કરી છે.’ હાલના નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર તેની તપાસ કરવામાં આવશે. અમને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણે વનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે. અમે કાયદા મુજબ તેમની સામે કેસ ચલાવી રહ્યા છીએ.
દરમિયાન, લલિત મોદીના સલાહકાર મહેબૂબ આબ્દીએ જણાવ્યું હતું કે, કોઈપણ ભારતીય એજન્સી દ્વારા મોદી વિરુદ્ધ ક્યારેય કોઈ કોર્ટમાં કોઈ ચાર્જશીટ કે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને ન તો કોઈ ભારતીય કોર્ટમાં તેમના વિરુદ્ધ કોઈ આરોપો ઘડવામાં આવ્યા છે.
લલિત મોદીને ભારત પાછા લાવવામાં મુશ્કેલીઓ વધશે
લલિત મોદીની નાગરિકતા અંગેનો આ નિર્ણય ઘણા વર્ષો પછી આવ્યો છે. IPLના સ્થાપક તરીકે, લલિત મોદી પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે. વનુઆતુ દક્ષિણ પેસિફિક ટાપુ રાષ્ટ્ર છે અને હવે લલિત મોદી અહીંના નાગરિક બની ગયા છે. હવે ભારત સરકારને લલિત મોદીને પરત લાવવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
Leave a Reply