છેલ્લા ચાર વર્ષથી અમેરિકાથી ન્યૂઝીલેન્ડ આવ્યો હતો અભ્યાસાર્થે, PhD પૂર્ણ થવાની નજીક હતી અને અચાનક હત્યા થતા પરિવાર શોકમાં ગરકાવ


વિદ્યાર્થીની શનિવારની રાત્રે 10.10 કલાકે સેન્ટ જ્હોન્સ રોડ પર થઇ હતી હત્યા
ઓકલેન્ડના મીડોબેંક વિસ્તારના સેન્ટ જ્હોન્સ રોડ પર શનિવારે રાત્રે થયેલી હત્યામાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત વ્યક્તિ ઓકલેન્ડ યુનિવર્સિટીમાં એન્ટોમોલોજી (જંતુઓનો અભ્યાસ)માં પીએચડી કરી રહેલા ૩૩ વર્ષીય અમેરિકન વિદ્યાર્થી હતો. પોલીસ આ કેસમાં બે વ્યક્તિની તલાસમાં છે જેઓ હત્યા કર્યા બાદ નાસી છૂટ્યા હતા.
તે લગભગ ચાર વર્ષથી ન્યુઝીલેન્ડમાં રહેતો હતો અને તેની પીએચડી લગભગ પૂરી થવામાં હતી. તે બસ સ્ટોપ નજીક સ્થિત મનાકી વેન્યુઆ – લેન્ડકેર રિસર્ચ સાથે સંશોધન કરી રહ્યો હતો. તેને જાણતા લોકોનું કહેવું છે કે તે હંમેશા રાત્રીના સમયે કિટકની શોધમાં રહેતો અને સંશોધન કરતો હતો.
એવું માનવામાં આવે છે કે જ્યારે હુમલો થયો ત્યારે તે કદાચ જંતુઓની શોધમાં બહાર નીકળ્યો હશે. તેને ઓળખતા લોકોએ જણાવ્યું હતું કે તે વિસ્તારમાં રાત્રે ઘણીવાર જીવજંતુઓ એકત્રિત કરતો હતો, કારણ કે ન્યૂઝીલેન્ડના ઘણા જંતુઓ રાત્રે સક્રિય રહેતા હોય છે.
પોલીસ હજી પણ આ કેસની તપાસ કરી રહી છે. તેઓ લોકોને કોઈપણ માહિતી અથવા ડેશકેમ ફૂટેજ માટે પૂછી રહ્યા છે. હુમલાના સંદર્ભમાં બે લોકોની શોધ કરવામાં આવી રહી છે.
એક વર્ષમાં ઓકલેન્ડમાં જંતુ સંગ્રહ કરનારની હત્યાની આ બીજી ઘટના છે. ગયા વર્ષે, અન્ય એન્ટોમોલોજિસ્ટ સ્ટીફન થોર્પનું બ્લોકહાઉસ બેમાં થયેલા હુમલા બાદ મૃત્યુ થયું હતું.
પોલીસ તપાસ ચાલુ હોવાથી ઓકલેન્ડ યુનિવર્સિટી અને લેન્ડકેર રિસર્ચ કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી. યુએસ એમ્બેસી પીડિતના પરિવારને મદદ કરી રહી છે અને સન્માન ખાતર વધુ ટિપ્પણી કરશે નહીં તેમ જણાવ્યું હતું.
Leave a Reply