ઓકલેન્ડની શાળાઓ પર વસ્તીવધારાનું દબાણ, કોવિડ પછી માઇગ્રન્ટ્સના વધારાથી સ્કુલ એનરોલમેન્ટ પર સંકટ, આઉટ-ઓફ-ઝોન વિદ્યાર્થીઓ માટે કેટલીક સ્કૂલોએ દરવાજા બંધ કર્યા


ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: કોવિડ-19 મહામારી પછી ન્યુઝીલેન્ડમાં ઇમિગ્રેશનમાં (New Zealand Immigration) થયેલા નોંધપાત્ર વધારાને કારણે ઓકલેન્ડની અગ્રણી માધ્યમિક શાળાઓ પર વિદ્યાર્થીઓની ભરતીનું અભૂતપૂર્વ દબાણ આવી પડ્યું છે. આ માઇગ્રેશનને (Migration) પગલે વસ્તીવૃદ્ધિને વેગ આપ્યો છે, જેના પરિણામે શાળાઓની ક્ષમતા પર ભારે તાણ આવી રહી છે. પરિણામે, રંગીટોટો કોલેજ અને માઉન્ટ આલ્બર્ટ ગ્રામર સ્કૂલ જેવી મોટી શાળાઓ આઉટ-ઓફ-ઝોન વિદ્યાર્થીઓને પ્રવેશ (Out of School Zone Enrolments) આપવાનો ઇનકાર કરવા મજબૂર બની છે, ભલે તેમના ભાઈ-બહેન પહેલેથી જ ત્યાં અભ્યાસ કરતા હોય. રંગીટોટો, માઉન્ટ આલ્બર્ટ ગ્રામર સ્કૂલ, ઓર્મિસ્ટન કોલેજ, પાપાકુરા અને મિશન હાઇટ્સ જેવી સ્કૂલો હાલ આઉટ ઓફ સ્કૂલ ઝોન એનરોલમેન્ટ બંધ કરી ચૂકી છે અથવા વિચારી રહી છે.
વધતી માંગ અને સીમિત જગ્યા: ઓકલેન્ડની અનેક માધ્યમિક શાળાઓમાં 2026 માટે પ્રવેશ અરજીઓ જૂન અને જુલાઈમાં ખુલવાની તૈયારીમાં છે. નોર્થ શોર પર આવેલી રંગીટોટો કોલેજ, જે દેશની સૌથી મોટી માધ્યમિક શાળા છે અને હાલમાં 4105 વિદ્યાર્થીઓ ધરાવે છે, તેણે આગામી વર્ષથી આઉટ-ઓફ-ઝોન વિદ્યાર્થીઓને સ્વીકારવાનું બંધ કરવાની જાહેરાત કરી છે. શાળાના સંચાલકોએ વધતા પ્રવેશ દબાણ અને વર્ગખંડોની મર્યાદિત જગ્યાનો ઉલ્લેખ કર્યો છે. 2025 માં, શાળાએ આઉટ-ઓફ-ઝોન રહેતા પરંતુ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભાઈ-બહેનોને સમાવી લીધા હતા, પરંતુ સતત વૃદ્ધિને કારણે હવે આ શક્ય નથી.
માઉન્ટ આલ્બર્ટ ગ્રામર સ્કૂલ, જે લગભગ 3600 વિદ્યાર્થીઓ સાથે ઓકલેન્ડની બીજી સૌથી મોટી માધ્યમિક શાળા છે, તેણે પણ આવતા વર્ષથી આઉટ-ઓફ-ઝોન વિદ્યાર્થીઓને, જેમાં વર્તમાન વિદ્યાર્થીઓના ભાઈ-બહેનોનો પણ સમાવેશ થાય છે, પ્રવેશ આપવાનું બંધ કરવાની સંભાવના દર્શાવી છે. સ્કૂલ હવે આઉટ-ઓફ-ઝોન પ્રવેશ બંધ કરવાની દિશામાં આગળ વધી રહી છે.”
ઇમિગ્રેશનના આંકડા અને શૈક્ષણિક માળખા પર અસર: પ્રિન્સિપાલ ડ્રમ અને અન્ય શાળા સંચાલકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે ઇમિગ્રેશનમાં તીવ્ર વધારો, તેમજ ન્યુઝીલેન્ડના અન્ય ભાગોમાંથી પરિવારોના સ્થળાંતરથી, ઓકલેન્ડની માધ્યમિક શાળાઓમાં પ્રવેશ દબાણ વધુ તીવ્ર બન્યું છે. સ્ટેટ્સ NZ અનુસાર, ન્યુઝીલેન્ડમાં નેટ માઇગ્રેશન ઓક્ટોબર 2023 માં પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું, જેમાં લગભગ 130,000 લોકોનો વધારો થયો હતો. જોકે, માર્ચ સુધીના નવીનતમ ડેટા અનુસાર, વાર્ષિક લાભ ત્યારથી ઘટીને 30,000 થી ઓછો થયો છે, તેમ છતાં શાળાઓ પર દબાણ યથાવત છે.
સ્થાનિક મીડિયા RNZ સાથેની ચર્ચામાં પાપાટોયટોય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને સેકન્ડરી પ્રિન્સિપલ્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ વોન કૌઈલોટે જણાવ્યું કે, તેમની શાળામાં પણ છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 1300 થી વધીને 1800 થઈ ગઈ છે, જે 500 વિદ્યાર્થીઓનો નોંધપાત્ર વધારો છે અને માળખાકીય સુવિધાઓ પર ભારે દબાણ લાવે છે. તેમણે ઇમિગ્રેશન અને ઝડપી સંપત્તિ વિકાસને ઓકલેન્ડના કેટલાક ઉપનગરોમાં શાળા પ્રવેશની માંગમાં વધારો કરવા પાછળના મુખ્ય પરિબળો ગણાવ્યા હતા.
પ્રવેશમાં છેતરપિંડી અને ભવિષ્યના ઉપાયો: પ્રવેશ દબાણ વધતા, કેટલાક પ્રિન્સિપાલોએ પ્રવેશમાં સંભવિત છેતરપિંડી અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ઓકલેન્ડની મેકલીન્સ કોલેજમાંથી ગયા વર્ષે નવ વિદ્યાર્થીઓને દૂર કરવામાં આવ્યા હતા જ્યારે જાણવા મળ્યું કે તેઓ ગેરકાયદેસર રીતે દાખલ થયા હતા. મેકલીન્સ કોલેજના પ્રિન્સિપાલ સ્ટીવન હાર્ગ્રીવ્સે જણાવ્યું કે, પ્રવેશમાં છેતરપિંડી ચાલુ રહેવાની સંભાવના છે, કારણ કે તેમની શાળાના ઝોનમાં રહેવું ખર્ચાળ છે. શાળાઓ રહેઠાણનો પુરાવો માંગે છે અને કાયદેસરની ઘોષણા પર હસ્તાક્ષર કરાવે છે, પરંતુ દબાણ વધતા જોખમ પણ વધે છે.
લાંબા ગાળે આ દબાણને પહોંચી વળવા માટે, શાળાઓના કેમ્પસનું વિસ્તરણ કરવું અને ક્ષમતા વધારવી અનિવાર્ય છે. શિક્ષણ મંત્રાલય પણ આ દબાણનો સામનો કરી રહેલી શાળાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે, જેમાં નવા પ્રવેશ યોજનાઓ રજૂ કરવી અથવા હાલની ઝોન સરહદોમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. વધુમાં, નવી શાળાઓનું નિર્માણ, ખાસ કરીને મધ્ય ઓકલેન્ડ જેવા ગાઢ સ્થળાંતરિત વસ્તીવાળા વિસ્તારોમાં, આવશ્યક જણાય છે.
શિક્ષણ મંત્રાલયના ઓપરેશન્સ અને ઇન્ટિગ્રેશનના વડા સીન ટેડીએ સ્વીકાર્યું કે ઓર્મીસ્ટન, મિશન હાઈટ્સ, પાપાકુરા જેવા ઓકલેન્ડના વિસ્તારો સહિત દેશભરના ઘણા પ્રદેશોમાં નોંધપાત્ર પ્રવેશ દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રવેશ યોજનાઓ શાળાઓમાં ભીડ અટકાવવા અને સ્થાનિક વિદ્યાર્થીઓને તેમના વિસ્તારની શાળાઓમાં પ્રવેશ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે.
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડની વાર્તાનો એક અભિન્ન ભાગ રહ્યો છે, અને શાળાઓને આ પડકારને પહોંચી વળવા માટે અનુકૂલન સાધવું પડશે, જેથી આપણા વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકે અને તેમને જરૂરી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે.











Leave a Reply