વડોદરા પાદરા નજીકનો મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતો મહત્ત્વનો 45 વર્ષ જૂનો પુલ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો; તંત્ર સામે લોકોમાં આક્રોશ,


વહેલી સવારે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પર આવેલો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં પુલ પરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે પિકઅપ વાન અને એક રિક્ષા સહિત કુલ પાંચ વાહનો નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ ઉપરાંત, પુલના તૂટેલા છેડે એક ટેન્કર પણ ફસાઈને લટકી ગયું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકો મદદ માટે ધસી આવ્યા હતા અને 8 જેટલા લોકોને બચાવવામાં સફળ રહ્યા હતા. ફાયર બ્રિગેડની ત્રણ ટીમો પણ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી છે. એક ટુ-વ્હીલર સવાર જે નદીમાં પડી ગયો હતો, તેને પણ સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. SDRFની ટીમને પણ સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરીમાં મદદ કરવામાં આવી રહી છે, જેમાં ઘાયલો અને મૃતકોને નદીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ગંભીરા બ્રિજની આ દુર્ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે હાઈ કમિટીને મોકલીને આ મામલે કડક પગલાં લેવા સૂચના આપી છે. આ 45 વર્ષ જૂનો પુલ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એક અત્યંત મહત્ત્વનો માર્ગ હતો. પુલ તૂટી પડવાને કારણે હવે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જેવા શહેરોથી સૌરાષ્ટ્ર પહોંચવામાં વધુ સમય લાગશે, કારણ કે હવે અમદાવાદ થઈને લાંબો વૈકલ્પિક માર્ગ અપનાવવો પડશે.
આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે 45 વર્ષ જૂના આ પુલના સમારકામ માટે વહીવટી તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. સ્થાનિકોનું કહેવું છે કે આ દુર્ઘટના માટે સંપૂર્ણપણે વહીવટી તંત્ર જ જવાબદાર છે.












Leave a Reply