DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઇમિગ્રેશન ફ્રોડ: NZ સિટીઝનશિપ મેળવી ચુકેલા બાંગ્લાદેશી દંપતીને સજા, પતિને 4 વર્ષની જેલ

Immigration New Zealand, Immigration Fraud, Bangladeshi Couple, Identity Fraud,

પત્નીને 12 મહિના હોમ ડીટેન્સનની સજા, 20 વર્ષ સુધી ભાઈની ઓળખનો ઉપયોગ કરી ન્યૂઝીલેન્ડમાં રહેતો હતો આરોપી

ખોટી ઓળખ પર વિઝિટર વિઝા મેળવ્યો, ત્યારબાદ વર્ક પરમિટ, રેસિડેન્સ વિઝા અને છેવટે ન્યુઝીલેન્ડની નાગરિકતા તથા બે પાસપોર્ટ પણ મેળવી લીધા હતા

ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડમાં એક મોટા ઇમિગ્રેશન અને ઓળખપત્ર (identity Fraud) ફ્રોડના કેસમાં બાંગ્લાદેશી મૂળના એક વ્યક્તિને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, જ્યારે તેની પત્નીને જેલમાંથી મુક્તિ મળી છે.

ગત સપ્તાહે ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જહાંગીર આલમને 40 ઇમિગ્રેશન અને ઓળખપત્ર ફ્રોડના આરોપસર દોષી ઠેરવીને સજા સંભળાવવામાં આવી હતી. આ જ ગુનામાં તેની પત્ની અને સહ-આરોપી તાજ પરવીન શિલ્પીને સ્વાસ્થ્યના કારણોસર 20% ની રાહત મળતા બે વર્ષની જેલને બદલે 12 મહિનાનું હોમ ડિટેન્શન આપવામાં આવ્યું છે.

ભાઇની ઓળખ પર ન્યુઝીલેન્ડમાં પ્રવેશ કર્યો
કોર્ટમાં સાબિત થયું કે જહાંગીર આલમે 20 વર્ષ સુધી તેના ભાઈની ઓળખનો ઉપયોગ કરીને ન્યુઝીલેન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેણે આ ખોટી ઓળખ પર વિઝિટર વિઝા મેળવ્યો, ત્યારબાદ વર્ક પરમિટ, રેસિડેન્સ વિઝા અને છેવટે ન્યુઝીલેન્ડની નાગરિકતા તથા બે પાસપોર્ટ પણ મેળવી લીધા હતા. એટલું જ નહીં, આલમે આ જ ખોટી ઓળખનો ઉપયોગ કરીને તેની પત્ની શિલ્પી માટે 14 ઇમિગ્રેશન અરજીઓ અને તેની માતા માટે એક અરજીને સમર્થન આપ્યું હતું. આ દંપતી આ સમગ્ર બનાવટથી વાકેફ હતું.

ઇમિગ્રેશન કમ્પ્લાયન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન્સના જનરલ મેનેજર સ્ટીવ વોટસને જણાવ્યું હતું કે, “આ સજા ઇમિગ્રેશન અને ઓળખપત્ર ફ્રોડની ગંભીરતા દર્શાવે છે. જે લોકો ઇમિગ્રેશન પ્રણાલીનો ખોટી રીતે લાભ લેવાનો પ્રયાસ કરશે તેમને કડક સજા ભોગવવી પડશે.” તેમણે વધુમાં કહ્યું કે ખોટી માહિતી આપનારાઓને તેમના કૃત્યો માટે જવાબદાર ઠેરવવામાં આવશે.

બાંગ્લાદેશી એસોસિયેશનનો પ્રમુખ બની 80 વ્યક્તિને કરી મદદ
આલમ બાંગ્લાદેશ એસોસિએશન ઓફ ન્યુઝીલેન્ડ ઇન્ક. (BANZI) ના પ્રમુખ બન્યો હતો, જ્યાં તેણે 80 જેટલા લોકોને પાસપોર્ટની અરજી કરવામાં મદદ કરી હતી. ન્યુઝીલેન્ડમાં બાંગ્લાદેશનું કોઈ કોન્સ્યુલેટ ન હોવાથી, આલમે BANZI દ્વારા લોકોને કાગળિયાં, પાસપોર્ટ અને સ્ટેમ્પના કામમાં મદદ કરી હતી. ન્યાયાધીશને વિનંતી કરવામાં આવી હતી કે આલમની સજા ઘટાડવા માટે તેની આ સમુદાય સેવાની નોંધ લેવામાં આવે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આલમે જે પાસપોર્ટ માટે મદદ કરી હતી તેમાંથી કોઈ પણ પાસપોર્ટ ખોટા હતા તેવો કોઈ પુરાવો મળ્યો નથી.

જાપાનમાં નિવાસ, ટેક્સી ડ્રાઇવર તરીકે કામ, અને પત્નીને પણ છેતરપિંડીની જાણ હતી

ઇમિગ્રેશન ફ્રોડમાં સજા પામેલા જહાંગીર આલમની ઉંમર અને સાચી ઓળખ હજુ પણ અજાણ છે, પરંતુ માનવામાં આવે છે કે તે અમેરિકામાં રહેતા જ્હોન આલમનો 50 વર્ષીય મોટો ભાઈ છે. તેણે પોતાના ભાઈની ઓળખ કઈ રીતે અપનાવી અને બાંગ્લાદેશી પાસપોર્ટ કઈ રીતે મેળવ્યો તે સ્પષ્ટ નથી. પરંતુ તપાસમાં જાણવા મળ્યું છે કે તે 1990ના દાયકામાં જાપાનમાં રહેતો હતો, ત્યારબાદ તે પોતાના વતન પાછો ફર્યો અને ઓકલેન્ડ આવ્યો.

ઓકલેન્ડમાં તે ટેક્સી ડ્રાઇવર બન્યો અને એક ન્યુઝીલેન્ડની મહિલા સાથે ‘શામ મેરેજ’ (નફા માટે લગ્ન) કર્યું. તેણે રહેઠાણનો વિઝા મળ્યા બાદ તરત જ તે મહિલા સાથે સંબંધ તોડી નાખ્યો. જોકે, તેણે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેમના સંબંધો સાચા હતા અને તેઓ જીવનશૈલીના મતભેદને કારણે અલગ થયા.

નાગરિક બન્યા પછી, તેણે શિલ્પી સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્ર થયો. તેમ છતાં, તેની છેતરપિંડી સરળતાથી પૂરી થઈ નહોતી. ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડે શરૂઆતમાં શિલ્પીની વિઝા અરજી નકારી કાઢી હતી કારણ કે પતિ-પત્નીના ઇન્ટરવ્યુમાં વિસંગતતાઓ (discrepancies) જોવા મળી હતી. જોકે, શિલ્પી 2008માં અન્ય વિઝા પર ન્યુઝીલેન્ડ આવી ગઈ હતી. આલમે તેની માતા માટે પણ વિઝિટર વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ નકારી કાઢવામાં આવ્યો હતો.

શિલ્પી, જે હાઈપરટેન્શન અને ડાયાબિટીસથી પીડાઈ રહી છે, તે “શરૂઆતથી જ જાણતી હતી કે તેનો પતિ તે વ્યક્તિ નથી જે તે હોવાનો દાવો કરતો હતો.” જ્યુરીએ પણ શિલ્પીના એ સંસ્કરણ પર વિશ્વાસ કર્યો ન હતો કે તેણી તેના પતિના પહેલા લગ્ન તૂટ્યા પછી તેને મળી હતી.

સાચી ઓળખથી હજુ પણ ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ અજાણ
નોંધનીય છે કે આ ગુનામાં આલમનું સાચું નામ અને જન્મ તારીખ હજુ પણ અજાણ છે, અને તેણે પોતાની સાચી ઓળખ કેમ છુપાવી તે પણ જાણી શકાયું નથી. આ દંપતી સામેનો કેસ છ વર્ષની લાંબી અને જટિલ તપાસનું પરિણામ છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ સાથે સહયોગની જરૂર પડી હતી.

જો તમને ઇમિગ્રેશન ફ્રોડ વિશે કોઈ જાણકારી હોય, તો તમે MBIE ની રિપોર્ટિંગ લાઇન પર 0800 200 088 પર સંપર્ક કરી શકો છો. અનામી રીતે ફરિયાદ નોંધાવવા માટે ક્રાઇમસ્ટોપર્સના 0800 555 111 પર ફોન કરી શકો છો.