DOWNLOAD! તમારી ગુજરાત એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરો

ઓકલેન્ડમાં ભારતના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી: દેશના વિકાસ અને સાંસ્કૃતિક વારસાને ગૌરવવંતો કરતું પર્વ

Auckland, India's Independence Day Celebration, New Zealand, Consulate of India, Dr. Madan Mohan Sethi,

ઓકલેન્ડ ખાતે ભારતના કોન્સુલેટ જનરલ ડૉ. મદન મોહન સેઠીએ ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો, ઉજવણીમાં ફાંગેરાઇના (Whangārei) મેયર વિન્સ કોકુરુલો (Vince Cocurullo) હાજર રહ્યા

ઓકલેન્ડના મહાત્મા ગાંધી સેન્ટર ખાતે ભારતના ૭૯મા સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ભારતના ઓનરરી કોન્સ્યુલ જનરલ ડો. મદન મોહન સેઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, અને ભારતીય સમુદાયના અગ્રણી નેતાઓ, ભારતીય મૂળના સાંસદો, તેમજ ન્યુઝીલેન્ડના રાજકારણીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપીને એકતા અને ઉમંગભેર ઉજવણી કરી.

ધ્વજવંદન બાદ, ઓકલેન્ડ ખાતેના કોન્સુલેટ જનરલ ડો. મદન મોહન સેઠીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના સંબોધનમાંથી કેટલાક અંશો વાંચ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “આપણી સ્વતંત્રતાના કેન્દ્રમાં માનવતાનો સિદ્ધાંત છે. 1947માં સ્વતંત્રતા મળ્યા બાદ ભારતે દરેક ક્ષેત્રે અસાધારણ પ્રગતિ કરી છે. છેલ્લા દાયકામાં 6.5%ના જીડીપી વૃદ્ધિ દર સાથે ભારત વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતું રાષ્ટ્ર છે. તેમણે ગરીબી નાબૂદી, સુશાસન અને સામાજિક સેવાઓ પર ભાર મૂક્યો, જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.

આ પ્રસંગે, ફાંગેરાઇ(Whangārei) ના મેયર વિન્સ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી અને વ્હાનગેરાઇની સુંદરતા વર્ણવી. તેમણે કહ્યું, “હું ફાંગેરાઇના મેયર તરીકે આપ સૌનો આભાર માનું છું. ભારતીય સમુદાય અદ્ભુત છે, અને આપણે બધા સાથે મળીને ન્યુઝીલેન્ડને મહાન બનાવી શકીએ છીએ.” તેમણે લોકોને ફાંગેરાઇની સુંદર બીચ અને પ્રકૃતિનો આનંદ માણવા ઉત્તર તરફ આવવાનું આમંત્રણ આપ્યું હતું.

ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશનના પ્રમુખ પુષ્પા લેકિનવાલાએ પોતાના વક્તવ્યમાં સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, “આજે આપણે ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.” તેમણે સ્વતંત્રતાને માત્ર એક ઐતિહાસિક તારીખ નહીં, પરંતુ સત્ય, ન્યાય, સમાનતા અને એકબીજા પ્રત્યે આદરના આદર્શોને આગળ વધારવાની જવાબદારી ગણાવી હતી.

ન્યુઝીલેન્ડ ઇન્ડિયન સેન્ટ્રલ એસોસિએશનના પ્રમુખ વીર ખારે સ્વતંત્રતાનો એક અલગ પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 1947પહેલાં ભારતમાં 600થી વધુ સ્વતંત્ર રાજ્યો હતા અને આપણે બ્રિટિશરોને આપણને વિભાજિત રાખવા માટે ટેક્સ ચૂકવતા હતા. “ખરેખર આપણે 1947માં આ વિભાજનમાંથી મુક્તિ મેળવી.” તેમણે ભારતીય ડાયસ્પોરાને રાજકારણમાં સક્રિય થવા અને ન્યુઝીલેન્ડના વિકાસમાં વધુ જવાબદારીપૂર્વક યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રીય ગીત “જન ગણ મન” સાથે એકતા અને દેશભક્તિની ભાવના છવાઈ રહી. આ ઉપરાંત વિવિધ સમુદાય અને લોકોએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગીતો દ્વારા આઝાદીની સવારને વધુ યાદગાર બનાવી હતી. આ ઉજવણીએ ઓકલેન્ડમાં રહેતા ભારતીય સમુદાય માટે તેમની સંસ્કૃતિ, વારસો અને દેશની પ્રગતિ પર ગૌરવ અનુભવવાનો એક અવિસ્મરણીય અવસર પૂરો પાડ્યો હતો.