ભારતના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સાઉથ ઓકલેન્ડ આયોજિત શિબાની કશ્યપ લાઇવ ઇન કન્સર્ટમાં રાજકારણ અને બોલિવૂડનો સંગમ


PM ક્રિસ્ટોફર લક્સન અને લેબરના ક્રિસ હિપકિન્સ ભારતીય સમુદાયને આકર્ષવા બોલિવૂડના રંગે રંગાયા
આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ઓકલેન્ડમાં આયોજિત ભારતીય સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીમાં રાજકીય મંચ અને બોલિવૂડનો અનોખો સમન્વય જોવા મળ્યો. આ કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડના રાજકીય નેતાઓએ રાજકીય ચર્ચા છોડીને ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી હતી. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને લેબરના નેતા ક્રિસ હિપકિન્સે પ્રખ્યાત બોલિવૂડ ગાયિકા શિબાની કશ્યપના બોલિવૂડ ગીતો પર ઠુમકા લગાવ્યા હતા. નોંધનીય છે કે ઇન્ડિયન હાઇકમિશન અને ઇન્ડિયન કોન્સુલેટ ઇન ઓકલેન્ડ દ્વારા અત્યાર સુધીનો સૌથી લાંબો ભારતનો સ્વતંત્રતા પર્વ ઓકલેન્ડમાં ઉજવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત શુક્રવારે ઇન્ડિયન ફૂડ ફેસ્ટિવલ અને રવિવારે હેમિલ્ટન તથા 17મી ઓગસ્ટે ફાંગેરાઇમાં બિઝનેસ મીટિંગ રાખવામાં આવી છે.
આ ઘટનાએ રાજકીય ગલિયારામાં હળવી ચર્ચા જગાવી છે કે આગામી વર્ષની રાષ્ટ્રીય ચૂંટણીમાં રાજકીય હરીફાઈ હવે બેલેટ બોક્સ (મતપેટી) સુધી સીમિત નથી, પરંતુ ડાન્સ ફ્લોર પર પણ જોવા મળી રહી છે. ન્યુઝીલેન્ડમાં ભારતીયો ત્રીજો સૌથી મોટો સમુદાય છે, અને બંને મુખ્ય પક્ષો ભારતીય મતદારોને આકર્ષવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. આ પ્રકારના કાર્યક્રમોમાં રાજકીય નેતાઓની ઉપસ્થિતિ ભારતીય સમુદાયને મહત્ત્વ આપવાનો સંકેત આપે છે. જોકે ન્યુઝીલેન્ડ એક બહુસાંસ્કૃતિક દેશ છે અને આ જ તેને વિશ્વમાં અન્ય દેશોથી અલગ પાડે છે.
આ ઘટનાએ રાજકારણ અને મનોરંજન વચ્ચેની પાતળી રેખાને બ્લર કરી દીધી છે. તે સ્પષ્ટ છે કે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં ભારતીય સમુદાયની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહેશે, અને રાજકીય પક્ષો ભારતીય સમુદાયને જીતવા માટે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. રાજકારણ અને બોલિવૂડના આ સંગમે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ભવિષ્યમાં આવા વધુ રસપ્રદ પ્રસંગો જોવા મળવાની આશા જગાવી છે.











Leave a Reply