વર્ક ટુ રેસિડેન્સ વિઝા માટે આવક મર્યાદાઓમાં પણ વધારો, 55 વર્ષથી ઓછી ઉંમરના લોકો અરજી કરી શકશે


ન્યુઝીલેન્ડ સરકારે દેશમાં Skilled Workersની અછતને પહોંચી વળવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે. આજે એટલે કે 18 ઓગસ્ટ, 2025થી, દસ નવા વેપાર-સંબંધી વ્યવસાયોને “વર્ક ટુ રેસિડેન્સ” પાથવે (Work to residency Pathway) હેઠળ ગ્રીન લિસ્ટમાં (Green List) સમાવવામાં આવ્યા છે. આ નિર્ણય એવા સ્કિલ્ડ વર્કરો માટે નિવાસ (રેસિડેન્સી) મેળવવાનો માર્ગ વધુ સરળ બનાવશે, જેઓ છેલ્લા બે વર્ષથી ન્યુઝીલેન્ડમાં આ વ્યવસાયોમાં કાર્યરત છે.
આ નવા ઉમેરાયેલા વ્યવસાયોમાં મેટલ ફેબ્રિકેટર, મેટલ મશિનિસ્ટ (ફર્સ્ટ ક્લાસ), ફિટર (જનરલ), ફિટર એન્ડ ટર્નર, ફિટર વેલ્ડર, પ્રેશર વેલ્ડર, વેલ્ડર, પેનલ બીટર, વ્હીકલ પેઇન્ટર અને પેવિંગ પ્લાન્ટ ઓપરેટરનો સમાવેશ થાય છે. આ વ્યવસાયોને ગ્રીન લિસ્ટના ટીયર ટુ (Tier Two) માં મૂકવામાં આવ્યા છે, જેના કારણે અરજદારો બે વર્ષના કાર્ય અનુભવ પછી રેસિડેન્સી માટે અરજી કરી શકશે.
આ વિઝા માટે અરજી કરવા માટે, અરજદારોએ કેટલીક શરતો પૂરી કરવી પડશે. અરજી સમયે તેમની ઉંમર ૫૫ વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત, તેમને સ્વાસ્થ્ય, ચારિત્ર્ય અને અંગ્રેજી ભાષાની આવશ્યકતાઓ પણ પૂર્ણ કરવી પડશે. સૌથી મહત્ત્વનું, અરજદારે ઓછામાં ઓછા છેલ્લા 24 મહિનાથી ન્યુઝીલેન્ડમાં આ ગ્રીન લિસ્ટના વ્યવસાયોમાં કામ કર્યું હોવું જોઈએ અને નિર્ધારિત વેતન (wage) મર્યાદાઓ પૂરી કરવી પડશે.
વેતન મર્યાદાઓમાં પણ વધારો
આ ફેરફારોની સાથે, સ્કિલ્ડ રેસિડેન્સ વિઝા માટેની વેતન મર્યાદાઓ (wage thresholds) માં પણ વાર્ષિક અપડેટ કરવામાં આવ્યું છે. નવી મધ્યમ વેતન દર (median wage rate) પ્રતિ કલાક $33.56 નક્કી કરવામાં આવી છે, જે સ્ટેટિસ્ટિક્સ ન્યુઝીલેન્ડના જૂન 2024ના ડેટા પર આધારિત છે.
નવા નિયમો મુજબ, મેટલ ફેબ્રિકેટર, વેલ્ડર, ફિટર અને મશીનિસ્ટ જેવા વ્યવસાયોમાં કામ કરતા અરજદારોએ પ્રતિ કલાક ઓછામાં ઓછા $43.63 અથવા વાર્ષિક $90.750 (40 કલાકના અઠવાડિયા મુજબ) કમાવવા જરૂરી છે. જ્યારે, પેવિંગ પ્લાન્ટ ઓપરેટરો, પેનલ બીટરો અને વ્હીકલ પેઇન્ટરો માટે આ મર્યાદા પ્રતિ કલાક $38.59 અથવા વાર્ષિક $80,267 છે.
આ વેતન મર્યાદાઓ 2023માં ઉદ્યોગ જૂથો સાથે પરામર્શ કરીને વિકસાવવામાં આવી હતી, જેથી આ પાથવે દ્વારા સૌથી વધુ કુશળ અને અનુભવી કામદારોને આકર્ષી શકાય. આ ફેરફારો ન્યુઝીલેન્ડના ઇમિગ્રેશન સેટિંગ્સને વર્તમાન શ્રમ બજારની જરૂરિયાતો સાથે સુસંગત રાખવાના સરકારના પ્રયાસનો એક ભાગ છે.
આ નીતિગત પરિવર્તનથી ન્યુઝીલેન્ડના નિર્માણ, ઉત્પાદન અને માળખાકીય વિકાસ ક્ષેત્રોને મોટો ફાયદો થવાની અપેક્ષા છે, કારણ કે આ ક્ષેત્રોમાં કુશળ કારીગરોની તીવ્ર અછત છે.
વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://www.immigration.govt.nz/about-us/news-centre/ten-trades-occupations-to-be-added-to-the-work-to-residence-pathway/?











Leave a Reply