ઇવન્ટ્સ પ્લસ દ્વારા ગુજરાતના જાણીતા લેખિકા અને ચિંતક કાજલ ઓઝા વૈદ્યના ટોક શોનું આયોજન, દાંપત્યજીવન, પેરેન્ટિંગ જેવા વિષય પર અદભૂત સંવાદ યોજાયો
આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
કુછ ઐસે મૈંને અપનો કો આઝાદ કીયા, કુછ ઐસે મૈંને અપને કો આઝાદ કીયા,
કુછ લોગો સે માફી માંગી, કુછ કો મૈંને માફ કીયા – મુન્નવર રાણા
પતિ અને પત્ની…એક એવો સંબંધ જે ક્યારેક બે અજાણ્યા વચ્ચે સમજણનો સેતુ બની રહે છે. પરંતુ જ્યારે આ સંબંધ સામાન્ય બને છે ત્યારે તણાવ, મુશ્કેલી અને પરેશાનીની પારાયણ ઉદભવે છે. આ સંબંધોની આંટી ઘૂંટી પર હું+તુ=આપણે વિષય પર ઇવન્ટ્સ પ્લસ દ્વારા ગુજરાતના જાણીતા લેખિકા અને ચિંતક કાજલ ઓઝા વૈદ્યના ટોક શોનું આયોજન કરાયું હતું.
‘મધુર સંબંધો વચ્ચે લાગણીઓનો સેતુ પણ બનવો જરૂરી છે’- કાજલ ઓઝા વૈદ્ય
કાજલ ઓઝા વૈદ્યએ પોતાના ટોક શોના પ્રારંભમાં જણાવ્યું કે ‘સુખ’ એટલે શું? આવો સવાલ લગભગ દરેક માણસને થતો હોય છે. પતિ અને પત્ની વચ્ચે ન માત્ર સ્વભાવ, સુખ અને સાહ્યબી હોય તો જ સંબંધોમાં મીઠાશ આવે છે, પરંતુ મધુર સંબંધો વચ્ચે લાગણીઓનો સેતુ પણ બનવો જરૂરી છે. તેમણે આવા સંબંધો પર ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ઘરમાં 6 એસી હોવા એ સુખ છે પરંતુ જ્યારે રૂમમાં ટેમ્પરેચર 18 રાખવું કે 24 રાખવું એ બાબતોનો ગમો અણગમો ક્યારેક ઝઘડાનુ સ્વરૂપ લે છે અને પતિ અને પત્ની અલગ અલગ રૂમમાં સુવાનો આગ્રહ રાખે છે. હવે સમજો કે અહીં સુખ પણ છે સગવડ પણ છે પરંતુ બંને વચ્ચે ઇમોશનલ મેચિંગ નથી. આથી જ સંબંધોમાં સુખ અને સગવડ કરતાં લાગણીઓ સેટ થવી જોઇએ. 18 અને 24ની વચ્ચે ઇમોશનલ ટેમ્પરેચર પણ સેટ થવું જરૂરી છે.કારણ કે આ ઠંડી અને ગરમી વચ્ચે જો તમે ક્યાંક મળી શકો તો જ હું અને તુંમાંથી આપણે બની શકીએ છીએ. આ માત્ર પતિ અને પત્ની જ નહીં સંતાનો સહિત દરેક સંબંધોમાં લાગુ પડે છે. લગ્ન જીવનના મૂળમાં પત્નીની પતિ માટે અને પતિની પત્ની માટે સમર્પણ ભાવના સૌથી અગત્યની હોય છે. પતિ અને પત્ની વચ્ચે જ્યારે સમજણનું અંતર ઘટે છે ત્યારે મતભેદો સર્જાય છે અને આ પીડા ક્યારેક મોટું સ્વરૂપ લે છે. દરેક ઉંમરે, માણસે માણસે, દરેક મનમાં ‘સુખ’ની વ્યાખ્યા બદલાય છે.
દાંપત્ય જીવનમાં સર્ટિફિકેટની કેમ જરૂર પડે છે ?
શું 24 કલાક સાથે રહેવાથી દાંપત્યજીવન સુખી છે ? જાહેરમાં એકબીજાની કાળજી લેવાથી શું લગ્નજીવન સુખી છે ? અથવા તો એમ કહી કે દુનિયાના તમે કોઇપણ ખુણામાં હોવ અને રાત્રે સૂતા પહેલા એક વખત પત્ની સાથે વાત કરવાથી તમારું દાંપત્યજીવન સુખી છે ? આવા પ્રશ્નના સવાલોનો જ્યારે થાય છે ત્યારે કાજલ ઓઝા વૈદ્યએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દાંપત્યજીવન ત્યારે સુખી છે કે જ્યારે તમે તકલીફમાં હોવ અને તમને જે પત્નીનો સૌથી પહેલા વિચાર આવે છે તો તમારુ લગ્નજીવન સુખી છે. દિલ ખોલીને ઝઘડો કરવો અને થોડા સમયમાં જ એકબીજાની સાથે જમવા બેસવું તો તમારું જીવન સુખી છે. આપણે નક્કી કરવાનું છે, આપણે બધા ધીરે ધીરે કઇ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ. એક માલિક છે ને બીજો ગુલામ છે તો સમજી લો કે લગ્નજીવનમાં મુશ્કેલી છે. બે અલગ અલગ વિચારો ધરાવતા વ્યક્તિત્વ જો ખુલ્લા મને એકબીજા સાથે વાત ન કરી શકે તો એ દાંપત્યજીવન સુખી કેવી રીતે કહેવાય…? આવા જીવનમાં બેમાંથી એક ડરે છે એ સ્પષ્ટ થાય છે. એટલે જ લગ્નજીવનમાં કેટલીક સ્થિતિમાં સંવાદ જરૂરી છે.
‘સુંદરતા નહીં પરંતુ સેન્સ ઓફ હ્યુમર જરૂરી છે’
લગ્ન પહેલા ઘણીવાર જાહેરાત અપાય છે કે સુશીલ, સુંદર, ઉંચાઇમાં વ્યવસ્થિત છોકરી કે છોકરો જોઇએ છે. આવી જાહેરાતો પર કટાક્ષ કરતા કાજલ ઓઝા વૈદ્યએ જણાવ્યું હતું કે આપણા બધાની પસંદગી બહુ ખોટી છે. હંમેશા પેકેજિંગ પરથી વસ્તુ પસંદગી આપણે કરીએ છીએ. જ્યારે માણસ, છોકરી કે છોકરો કે પછી મિત્ર શોધતા હોઇએ છીએ જોકે અસલ જિંદગીમાં એવું હોતું નથી. કારણ કે સંબંધોમાં સુંદરતા નહીં પરંતુ સેન્સ ઓફ હ્યુમર જરૂરી છે. સંબંધોને જાળવવાની આવડત જેનામાં હોય એ જ સાચો સંબંધ.
‘સંબંધોમાં ક્યારેય કોઇને હાસ્યાસ્પદ ન બનાવીએ’
સંબંધોમાં એકબીજાનું સન્માન જરૂરી છે. કોઇ સંબંધને હાસ્યાસ્પદ ન બનાવવા જોઇએ. વિશેષાધિકારનો આનંદ હોવો જોઇએ નહીં કે કોઇને નીચા બતાવવાનો અધિકાર. કારણ કે ત્યારે જ હું અને તુંમાંથી આપણે બની શકીએ છીએ. દરેકને આપણી સાથે, આપણા સમાન, આપણા સ્નેહના ભાજ્ય બનાવીએ એ જરૂરી છે. એજ સૌથી મોટી વાત છે.
























Leave a Reply