વર્ષ 2026ની ચૂંટણી પહેલા એક નવા રાજકીય સર્વેક્ષણમાં ‘હંગ’ પાર્લિયામેન્ટની શક્યતા, ‘ટેક્સપેયર્સ યુનિયન-ક્યુરિયા પોલ’ દ્વારા 3 થી 5 ઑગસ્ટે કરાયું સર્વેક્ષણ


વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ: વર્ષ 2026ની ચૂંટણી પહેલા એક નવા રાજકીય સર્વેક્ષણમાં સંસદ ‘હંગ’ (hung Parliament) થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ‘ટેક્સપેયર્સ યુનિયન-ક્યુરિયા પોલ’ દ્વારા 3 થી 5 ઑગસ્ટ દરમિયાન કરવામાં આવેલા આ સર્વેક્ષણમાં શાસક ગઠબંધનને ફટકો પડ્યો છે.
સર્વેક્ષણ મુજબ, લેબર પાર્ટીને 2 પોઈન્ટના વધારા સાથે 33.6% સમર્થન મળ્યું છે, જેના કારણે તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જ્યારે નેશનલ પાર્ટીને 2.1 પોઈન્ટના ઘટાડા સાથે 31.8% સમર્થન મળ્યું છે. અન્ય પક્ષોની વાત કરીએ તો, ગ્રીન પાર્ટી 9.8% અને ACT પાર્ટી 8.6% સાથે પાછળ છે. NZ ફર્સ્ટને 7.8% અને ટી પાર્ટી માઓરીને 3.2% સમર્થન મળ્યું છે.
જો આજે ચૂંટણી થાય તો, સેન્ટર-રાઇટ બ્લોક (નેશનલ, ACT, NZ ફર્સ્ટ)ને 61 બેઠકો મળશે, જે ચાર બેઠકોનો ઘટાડો દર્શાવે છે. બીજી તરફ, સેન્ટર-લેફ્ટ બ્લોક (લેબર, ગ્રીન્સ)ને પણ 61 બેઠકો મળશે, જેમાં ચાર બેઠકોનો વધારો થયો છે. બંનેમાંથી કોઈ પણ જૂથ પાસે બહુમતી ન હોવાથી, પરિણામ ‘હંગ પાર્લમેન્ટ’ રહેશે.
મતદારોના મુખ્ય મુદ્દા અને પસંદગીના વડાપ્રધાન: મતદારો માટે સૌથી મહત્વનો મુદ્દો મોંઘવારી (24.4%) છે, ત્યારબાદ અર્થતંત્ર (20.7%) અને આરોગ્ય (10.0%) આવે છે.
પસંદગીના વડાપ્રધાનના રેટિંગમાં ક્રિસ્ટોફર લક્સન અને ક્રિસ હિપકિન્સ બંને 20.2% સાથે બરાબરી પર છે. વિન્સ્ટન પીટર્સને 8.2% અને ક્લો સ્વાર્બ્રિકને 8% સમર્થન મળ્યું છે. આ સર્વેક્ષણ દર્શાવે છે કે ન્યુઝીલેન્ડનું રાજકીય ભવિષ્ય હાલ અનિશ્ચિતતામાં છે.











Leave a Reply