33 વર્ષીય વ્યક્તિ પર એકથી વધુ વ્યક્તિએ હુમલો કર્યો હોવાનું પોલીસનું અનુમાન, સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પોલીસ અને ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી




ઓકલેન્ડમાં ફરીથી એક વાર જીવલેણ હુમલામાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મીડોબેંકના સેન્ટ જ્હોન્સ રોડ પર આવેલા બસ સ્ટોપ પર ગઇકાલે રાત્રે 10 કલાકની આસપાસ જીવલેણ હુમલાની ઘટના બની હતી. પોલીસના મતે હુમલામાં એકથી વધુ વ્યક્તિઓ સામેલ હોઇ શકે છે અને તેઓ રેમુએરા રોડ બાજુમાં ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગી છૂટ્યા હતા.
પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં 33 વર્ષીય પીડિત યુવાન માર્યો ગયો છે. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ગુનેગારો રેમુએરા રોડ તરફ જતા વાહનમાં આ વિસ્તાર છોડી ગયા હોવાનું માનવામાં આવે છે.
“અમે ગુનેગારો અને તેઓ જે વાહનમાં ગયા હતા તે શોધવા માટે પૂછપરછ કરી રહ્યા છીએ, અને હાલમાં પણ આ દુ:ખદ ઘટના શા માટે બની તે નક્કી કરવા માટે કામ કરી રહ્યા છીએ,” પોલીસે જણાવ્યું હતું.
સ્ટ્રીટમાં બસ સ્ટોપ પર વાદળી ફોરેન્સિક ટેન્ટ ગોઠવવામાં આવ્યો છે, અને ઘટનાસ્થળે ગાર્ડ તૈનાત કરાયા છે. બ્લેકકેટ ક્રેસન્ટ અને ડોરચેસ્ટર સ્ટ્રીટ વચ્ચે સેન્ટ જોન્સ રોડનો લગભગ 300 મીટરનો વિસ્તાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે . પોલીસે કહ્યું કે ઘટનાસ્થળની તપાસ હાથ ધરાય ત્યાં સુધી તે બંધ રહેશે.
આજે સવારે પોલીસ અધિકારીઓ સેન્ટ જોન્સ રોડ પર ઘરે ઘરે જઈને બસ સ્ટોપ નજીકના રહેવાસીઓ સાથે વાત કરતા જોઈ શકાય છે. નજીકમાં રહેતા એક રહેવાસીએ જણાવ્યું કે તેઓ આજે સવારે તેમના સામાન્ય બસ સ્ટોપ તરફ ચાલી રહ્યા હતા ત્યારે તેઓ પોલીસ ઘેરામાં આવી ગયા હતા.
Leave a Reply