બે વ્યક્તિ દ્વારા શનિવારે રાત્રે 10-10 કલાકે લૂંટનો પ્રયાસ, 3 વ્યક્તિઓ લૂંટ અટકાવવાની કોશિશમાં ઇજાગ્રસ્ત
ઓકલેન્ડના માઉન્ટ આલ્બર્ટમાં સ્પોર્ટ્સ બારમાં લૂંટનો પ્રયાસ ગત રાત્રે કરવામાં આવ્યો હતો. જેમાં 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. જેમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જોકે પોલીસના જણાવ્યા અનુસાર તેની સ્થિતિ સ્થિર છે. શનિવારે મોડી રાત્રે 10-10 કલાકે બે વ્યક્તિ લૂંટના ઇરાદે બારમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ત્યાં ઝઘડો પણ થયો હતો. જેને પગલે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે અને સુરક્ષાના ભાગરૂપે સીન ગાર્ડ પણ હાલ સ્થળ પર રાખવામાં આવ્યા છે. હાલ ગુનેગારોને શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જોકે હજુ સુધી તેમાં કોઇ સફળતા મળી નથી. નોંધનીય છે કે કેટલાક દિવસોથી લૂંટની ઘટનામાં ફરીથી વધારો થયો છે અને સ્થિતિ તેમની તેમ જ જણાઇ રહી છે.
પોલીસે જણાવ્યું છે કે માહિતી ધરાવનાર કોઈપણ જેની સાથે અમે હજુ સુધી વાત કરી નથી તેમને સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. તમે 105 પર કૉલ કરીને અને ફાઇલ નંબર 240623/8649 ટાંકીને અમને માહિતી પહોંચાડી શકો છો. ક્રાઈમ સ્ટોપર્સ દ્વારા 0800 555 111 પર અજ્ઞાત રૂપે પણ માહિતી શેર કરી શકાય છે.
Leave a Reply