મે 2025થી સંપૂર્ણ સ્ટાફ સાથે ઓકલેન્ડ ક્વિન્સ સ્ટ્રીટ પર કોન્સુલેટ ઓફિસ કાર્યરત થશે, ટૂંક સમયમાં જ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા મંજૂરી મળવાની શક્યતા


આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ભારત સરકાર અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો વધુને વધુ ગાઢ બની રહ્યા છે અને તેના જ ઉપક્રમે છેલ્લા ઘણાં સમયથી ભારતીય ડાસ્પોરાની માંગણીને ધ્યાનમાં રાખીને ઓકેલન્ડ ખાતે કોન્સુલેટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. ઓકલેન્ડ કોન્સુલેટ ઓફિસ દ્વારા પહેલીવાર ન્યૂઝીલેન્ડમાં ભારતીય કોમ્યુનિટી ન્યૂઝપેપરના પત્રકારો સાથે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્સુલ જનરલ ડો. મદન મોહન સેઠી અને કોન્સુલ સંજીવ કુમાર દ્વારા કોન્સુલેટ ઓફિસની કાર્યવાહી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
ક્વિન્સ સ્ટ્રીટ પર શરૂ થશે કોન્સુલેટ ઓફિસ
કોન્સુલ જનરલ ડૉ. મદન મોહન સેઠીએ જણાવ્યું હતું કે હાલ 145, ન્યૂ નોર્થ રોડ, ઇડન ટેરેસ ખાતે ટેમ્પરરી ઓફિસ કાર્યરત છે પરંતુ મે મહિનાથી ઓકલેન્ડ સીબીડી, બ્રિટોમાર્ટથી ખુબ જ નજીક નવી કોન્સુલેટ ઓફિસ શરૂ થશે. નોંધનીય છે કે હાલ અમેરિકા, ગ્રેટ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા, કોલંબિયા, ઇઝરાયેલ, તાઇવાન, સાઉથ કોરિયા તથા આયર્લેન્ડની કોન્સુલેટ ઓફિસ ક્વિન્સ સ્ટ્રીટ પર આવેલી છે.
ડો. સેઠીએ વધુમાં જણાવ્યું હતું કે નવી ઓફિસમાં સંપૂર્ણ સ્ટાફ ઉપરાંત OCIથી લઇને વિઝા સુધીની સર્વિસ અવેલેબલ શરૂ થઇ જશે. અમને આશા છે કે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા અમને ટૂંક સમયમાં જ મંજૂરી પ્રાપ્ત થઇ જશે.
કોન્સુલેટની મુલાકાત પહેલા વેબસાઇટ પર તમામ માહિતી ચકાસો
કોન્સુલ જનરલ ડૉ. સેઠીની સાથે કોન્સુલ સંજીવ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સંજીવ કુમારે જણાવ્યું હતું કે હાલ અમે વિવિધ કોમ્યુનિટીના લોકો સાથે સતત મળી રહ્યા છીએ અને તેમના અનુભવો અંગે પણ જાણકારી મેળવી રહ્યા છીએ. જોકે અમે કોમ્યુનિટીને વિનંતી કરીએ છીએ કે કોન્સુલેટની મુલાકાત લીધા પહેલા ઓકલેન્ડ કોન્સુલેટની નવી વેબસાઇટ cgiauckland.gov.in પર સંપૂર્ણ માહિતી ચકાસી લેવી જોઇએ. ટૂંક સમયમાં જ અમારા દ્વારા વેબસાઇટને વિવિધ ભાષામાં પણ ઉપલબ્ધ કરાવાશે.
અપોઇન્ટમેન્ટ સાથે આવનારને પહેલી પ્રાથમિકતા અપાશે
સંજીવકુમારે ભારતીય કોમ્યુનિટીને આગ્રહ કર્યો હતો કે તેઓ એપોઇન્ટમેન્ટ લીધા બાદ જ કોન્સુલેટની મુલાકાત લે. કારણ કે ધીરે ધીરે હવે એવા લોકોની પહેલી પ્રાથમિકતા અપાશે કે જેઓ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને આવશે. જે લોકો ઓનલાઇન બુકિંગ ન કરી શકે તેવા વયસ્ક લોકોને અમારા તરફથી જરૂરથી મદદ મળશે પરંતુ લોકોનો વધુ સમય ન વેડફાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
ઇમર્જન્સી સર્વિસ માટે પણ નંબર ઉપલબ્ધ કરાવાયો
મેડિકલ ઇમર્જન્સી કે ડેથ કેસમાં કોન્સુલર સર્વિસ હંમેશા 24/7 ઉપલબ્ધ રહેશે. જેને માટે ટેલિફોન નંબર પણ ઉપલબ્ધ કરાયાવાયો છે. કોન્સુલર સર્વિસ આસિસ્ટન્ટ માટે +64 212 227 651 પર સંપર્ક કરવાનો રહેશે. જેના પર આપ બ્રિફ એસ.એમ.એસ પણ કરી શકો છો.
વધુ જાણકારી માટે કોન્સુલેટ ઓફિસની નીચેની પ્રેસ રિલીઝનો વધુ ઉપયોગ કરવો.


Leave a Reply