નેશનલ ગઠબંધન સરકાર NCEAના તમામ સ્તરને બદલીને એક નવી અને વધુ સુસંગત શિક્ષણ પદ્ધતિ લાવવાની તૈયારીમાં, વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડ દ્વારા જાહેર પ્રસ્તાવ જાહેર


ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ: ન્યુઝીલેન્ડ સરકારે શાળાકીય પરીક્ષા પ્રણાલી (New Zealand Certificate of Education ) NCEA માં મોટા ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને શિક્ષણ મંત્રી એરિકા સ્ટેનફોર્ડ દ્વારા જાહેર કરાયેલા આ પ્રસ્તાવ મુજબ, NCEA ના તમામ સ્તરને એક નવી અને સુસંગત શિક્ષણ પદ્ધતિથી બદલવામાં આવશે.
NCEA નું સ્થાન લેનારી નવી પદ્ધતિ:
- ધોરણ 11: આ વર્ષના વિદ્યાર્થીઓ માટે ‘ફાઉન્ડેશનલ સ્કિલ્સ એવોર્ડ’ રજૂ કરવામાં આવશે, જે ખાસ કરીને સાક્ષરતા (literacy) અને અંકગણિત (numeracy) પર કેન્દ્રિત હશે. આ સ્તરે અંગ્રેજી અને ગણિત ફરજિયાત વિષયો રહેશે.
- ધોરણ 12 અને 13: આ વિદ્યાર્થીઓ માટે અનુક્રમે ‘ન્યુઝીલેન્ડ સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશન (NZCE)’ અને ‘ન્યુઝીલેન્ડ એડવાન્સ્ડ સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશન (NZACE)’ નામના બે નવા પ્રમાણપત્રો દાખલ કરવામાં આવશે.
નવી પ્રણાલી હેઠળ, વિદ્યાર્થીઓએ પાંચ વિષયોનો અભ્યાસ કરવો પડશે અને પ્રમાણપત્ર મેળવવા માટે તેમાંથી ઓછામાં ઓછા ચારમાં પાસ થવું ફરજિયાત રહેશે. ગુણ 100 માંથી આપવામાં આવશે અને પરિણામ A થી E જેવા સ્પષ્ટ ગ્રેડમાં રજૂ થશે, જે સરકારને આશા છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સમજવું સરળ બનશે.
અમલીકરણની સમયરેખા: સરકારે આ ફેરફારો આગામી પાંચ વર્ષમાં લાગુ કરવાની યોજના બનાવી છે. ધોરણ 11 માટે નવો ફાઉન્ડેશનલ એવોર્ડ વર્ષ 2028 થી, ધોરણ 12 માટેનું નવું પ્રમાણપત્ર 2029 થી અને ધોરણ 13 માટેનું પ્રમાણપત્ર 2030 થી અમલમાં આવશે. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું કે પુરાવાઓ દર્શાવે છે કે હાલની NCEA પ્રણાલી “સુસંગત નથી” અને “તેને સમજવી મુશ્કેલ છે.”
લેબર પાર્ટીનો વિરોધ અને ચિંતાઓ: જોકે, સરકારના આ સુધારાઓ સામે વિપક્ષ લેબર પાર્ટીએ ચિંતા વ્યક્ત કરી છે. શિક્ષણ પ્રવક્તા વિલો જીન પ્રાઈમે જણાવ્યું, “અગાઉ પણ ઉતાવળમાં કરવામાં આવેલા ફેરફારો (જેમ કે રાષ્ટ્રીય ધોરણો) ને કારણે વિદ્યાર્થીઓ નિષ્ફળ પરિવર્તનો માટે ગિની પિગ બન્યા હતા, તેથી આપણે આ વખતે સાચો નિર્ણય લેવો જ પડશે.” તેમણે કહ્યું કે કોઈપણ પરિવર્તન યોગ્ય ચર્ચા-વિચારણા અને પુરાવા પર આધારિત હોવું જોઈએ જે તમામ વિદ્યાર્થીઓ માટે સારા પરિણામો લાવે. પ્રાઈમે છ મહિનાના કન્સલ્ટેશન પીરિયડને “ખૂબ ટૂંકો સમયગાળો” ગણાવ્યો છે. તેમનું માનવું છે કે આ ઉતાવળવાળા ફેરફારો રાજકીય લાભ માટે કરવામાં આવી રહ્યા છે.











Leave a Reply