ભજન અને રાસ-ગરબાની રમઝટથી ઓકલેન્ડનું વાતાવરણ બન્યું દ્વારિકામય, કૃષ્ણના નાટકો દ્વારા કૃષ્ણલીલાને જીવંત બનાવાઇ












આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ઓકલેન્ડના ગુજરાતી સમુદાય માટે આ વર્ષની જન્માષ્ટમી વૈષ્ણવ પરિવાર ન્યુઝીલેન્ડ દ્વારા આયોજિત ભવ્ય ઉત્સવ સાથે ખાસ બની રહી. બ્લોકહાઉસ બેમાં આવેલી ચોસર સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 500થી વધુ ગુજરાતીઓએ હાજરી આપીને ધર્મ, સંસ્કૃતિ અને એકતાની ભાવનાને મૂર્તિમંત કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી કરવા માટે આખો હોલ શણગારવામાં આવ્યો હતો, અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર જગ્યા દ્વારિકા જેવી અનુભવાતી હતી.
ગંધર્વ વિવાહ પર અદભૂત કૃષ્ણલીલાનું નાટ્યરૂપાંતર
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એક નાટક હતું, જેમાં સુભદ્રા અને અર્જુનના લગ્ન પ્રસંગને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યો હતો. આ નાટકમાં દર્શાવવામાં આવ્યું કે જ્યારે ભગવાન કૃષ્ણના ભાઈ બલરામ, અને કુરુ વંશના દુર્યોધન અને ભીષ્મપિતામહ જેવા વડીલોને અર્જુન દ્વારા સુભદ્રાનું હરણ કરી લઈ જવા વિશે જાણ થઈ, ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થયા. ઇતિહાસમાં આ પ્રસંગને ગંધર્વ વિવાહ (પ્રેમલગ્ન) તરીકે ઓળખવામાં આવે છે. આ નાટકમાં દર્શાવવામાં આવ્યું કે, શ્રીકૃષ્ણે પોતાના બુદ્ધિચાતુર્ય અને વાકપટુતાથી પરિસ્થિતિને કેવી રીતે સંભાળી. તેમણે બલરામ અને અન્ય વડીલોને સમજાવ્યું કે સુભદ્રાનું હરણ થયું નથી, પરંતુ તેણીએ સ્વયં અર્જુનને પસંદ કર્યો છે. આ સમજાવટથી તેમનો ક્રોધ શાંત થયો અને તેમણે આ લગ્નને સ્વીકાર્યું. આ દૃષ્ટાંત નાટકે દર્શકોને શ્રીકૃષ્ણની બુદ્ધિમત્તા અને મુત્સદ્દીગીરીનો પરિચય કરાવ્યો.
બાળકલાકારોએ પણ માખણચોરીના પ્રસંગને જીવંત બનાવ્યું
નાટ્ય રજૂઆતો ઉપરાંત, બાળ કલાકારોએ માખણચોરીના પ્રસંગોનું જીવંત નિરૂપણ કર્યું, જેમાં નાના બાળકો કૃષ્ણના રૂપમાં તેમની મનમોહક લીલાઓ રજૂ કરતા જોવા મળ્યા. ગોપીઓએ મનમોહક રાસલીલા રજૂ કરી હતી, જેમાં તેમના નૃત્ય અને અભિવ્યક્તિએ સૌનું મન મોહી લીધું. આ પ્રસ્તુતિઓએ શ્રીકૃષ્ણની બાળપણની યાદો તાજી કરી અને પ્રેક્ષકોને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવ્યો હતો.
કૃષ્ણ ભજન અને રાસ-ગરબાથી કૃષ્ણયમ બન્યું વાતાવરણ
સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવવા માટે કૃષ્ણ ભજનો અને રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ કૃષ્ણના ભજનો ગાઈને પોતાની ભક્તિ વ્યક્ત કરી અને ગરબાની રમઝટથી સૌ કોઈ ઝૂમી ઉઠ્યા. આ પર્વ માત્ર એક ધાર્મિક ઉજવણી નહોતી, પરંતુ ન્યુઝીલેન્ડમાં વસતા ગુજરાતી પરિવારો માટે એકબીજા સાથે જોડાવા અને પોતાની સંસ્કૃતિનું જતન કરવાનો એક ઉત્તમ અવસર હતો. વૈષ્ણવ પરિવારના સભ્યોએ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, અને આ કાર્યક્રમ ખરેખર ન્યુઝીલેન્ડના ભારતીય સમુદાયની ભાવના અને એકતાનું પ્રતીક બની રહ્યો હતો.











Leave a Reply