સ્પેને 1964, 2008 અને 2012માં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી હતી. બીજી તરફ ઇંગ્લિશ ટીમને યુરો કપની ફાઇનલ મેચમાં સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ગત સિઝનમાં તેને ઇટાલીએ હરાવ્યું હતું


સ્પેને શાનદાર પ્રદર્શન કરીને યુરો 2024 જીત્યો છે. 14 જુલાઈ (રવિવાર)ના રોજ બર્લિનમાં રમાયેલી ફાઈનલ મેચમાં સ્પેને ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. સ્પેને રેકોર્ડ ચોથી વખત યુરો કપ જીત્યો છે. ઈંગ્લેન્ડને ફરીથી નિરાશાનો સામનો કરવો પડ્યો.
આ પહેલા સ્પેને 1964, 2008 અને 2012માં યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી હતી. સ્પેન યુરો કપની સૌથી સફળ ટીમ છે. જ્યારે જર્મની ત્રણ ટાઇટલ સાથે બીજા સ્થાને છે. ઈંગ્લેન્ડની વાત કરીએ તો તે સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. અગાઉ 2020 સીઝનમાં, તે ટાઇટલ મેચમાં ઇટાલીએ તેને હાર આપી હતી અને આ વખતે સ્પેનના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. આ ચેમ્પિયનશિપના 66 વર્ષના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ એક વખત પણ ચેમ્પિયન બની શક્યું નથી.
ફાઈનલ મેચ દરમિયાન પ્રથમ હાફમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ થયો ન હતો. જોકે, આ સમયગાળા દરમિયાન સ્પેનિશ ટીમ પાસે 66 ટકા બોલ પર કબજો હતો. બીજી તરફ પ્રથમ હાફના વધારાના સમયમાં ઇંગ્લેન્ડના ફિલ ફોડેને ગોલ કરવાની સુવર્ણ તક હતી, પરંતુ સ્પેનના ગોલકીપર યુ. સિમોને શાનદાર બચાવ કર્યો હતો.
તમામ ગોલ બીજા હાફમાં નોંધાયા
બીજો હાફ એક્શનથી ભરેલો હતો. મેચની 47મી મિનિટે નિકોલસ વિલિયમ્સે લેમિન યામલના શાનદાર ક્રોસ પર ગોલ કરીને સ્પેનને 1-0થી આગળ કરી દીધું હતું. રમતની 73મી મિનિટે અવેજી ખેલાડી કોલ પામરે જુડ બેલિંગહામના ક્રોસ પરથી ગોલ કરીને ઈંગ્લેન્ડને બરાબરી અપાવી હતી. રમતની 86મી મિનિટે સ્પેનના અવેજી ખેલાડી મિકેલ ઓયારઝાબાલે ગોલ કર્યો હતો, જે મેચનો નિર્ણાયક ગોલ સાબિત થયો હતો. માર્ક કુક્યુરેલાએ આ ગોલમાં મદદ કરી હતી.
તમને જણાવી દઈએ કે સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે નેધરલેન્ડને 2-1થી હરાવ્યું હતું. બીજી તરફ સ્પેને પણ ફ્રાન્સને 2-1થી હરાવીને ટાઈટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. યુરો 2024 ની યજમાની જર્મની દ્વારા કરવામાં આવી હતી. જર્મનીને ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.


Leave a Reply