રોહિતના સ્ફોટક 92 રન, હાર્દિકના તોફાની 27 તથા સૂર્યાના 31 રનની મદદથી ટીમ ઇન્ડિયા 5 વિકેટે 205 રન, ઓસ્ટ્રેલિયા 7 વિકેટે 181 રન જ બનાવી શક્યું, 24 રનથી પરાજય બાદ ઓસ્ટ્રેલિયા પર વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઇ જવાનો ખતરો






T20 World Cup, India Vs Australia : રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે સોમવારે (24 જૂન) સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી મેચ રમી હતી, જેમાં તેણે 24 રને જીત મેળવી હતી. આ હાર બાદ હવે ઓસ્ટ્રેલિયા પર બહાર થવાનો ખતરો છે.
જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ઘણી ખુશ દેખાઈ રહી છે. વાસ્તવમાં, મંગળવારે (25 જૂન) સવારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. જો અફઘાનિસ્તાન આમાં જીતશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે અને ઓસ્ટ્રેલિયા બહાર થઈ જશે. જ્યારે અફઘાનિસ્તાન હારશે તો ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી જશે.
ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે
ભારતીય ટીમ હવે 27 જૂને તેની સેમિફાઇનલ મેચ રમશે. જ્યાં તેનો મુકાબલો ગ્રુપ-2માં બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડની ટીમ સાથે થશે. આ સેમિફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમિફાઇનલ પણ 27 જૂને સવારે 6 વાગ્યે યોજાશે. આમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અથવા અફઘાનિસ્તાન સાથે થશે.
ભારતીય બોલરોના હાથે ઓસ્ટ્રેલિયાની ટીમનો પરાજય
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ગ્રોસ આઈલેટના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વિકેટ ગુમાવીને 181 રન જ બનાવી શકી હતી.
ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ટ્રેવિસ હેડે 43 બોલમાં 76 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો. તેના સિવાય કેપ્ટન મિચેલ માર્શે 37 રન અને ગ્લેન મેક્સવેલે 20 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 3 અને સ્પિનર કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.
રોહિતે 19 બોલમાં ફિફ્ટી ફટકારી, પરંતુ તે સદી ચૂકી ગયો
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેણે 6 રનમાં વિરાટ કોહલી (0)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંત સાથે મળીને 38 બોલમાં 87 રનની ભાગીદારી કરીને ટીમને આગળ ધપાવી હતી.
આ સાથે રોહિતે 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જોકે તે પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો. રોહિતે આ મેચમાં 41 બોલમાં 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતે 8 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. તેમના સિવાય સૂર્યકુમાર યાદવે 31 રન, શિવમ દુબેએ 28 રન, હાર્દિક પંડ્યાએ 27 અણનમ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઈનિસ અને મિચેલ સ્ટાર્કે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે જોશ હેઝલવુડને 1 વિકેટ મળી હતી.
Leave a Reply