AEWV વિઝા પર સુરતથી ઓકલેન્ડ બોલાવ્યો અને બદલામાં વિઝા અપાવવાના નામે 15 લાખ રૂપિયા સુરતના જ યુવક પાસેથી વસૂલ્યા, ઓકલેન્ડમાં જ બ્યુટી સ્ટુડિયો, પેટ્રોલ સ્ટેશન, કન્સ્ટ્રક્શન કંપની તથા AUCKLAND સીબીડી ખાતે વેપ સ્ટોર ધરાવતો હોવા છતાં પણ એક માલિક પોતાના વર્કર્સનું શોષણ કરતાં અટકાતો નથી


કેતન જોષી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
New Zealand migrants exploitation : ન્યુઝીલેન્ડમાં એમ્પ્લોયર એક્રેડિટેશન વર્ક વિઝા (AEWV) અને શોષણ હવે જાણે એક બીજાના પૂરક બની ચૂક્યા છે. જ્યારથી આ વિઝા અમલમાં મૂકવામાં આવ્યા છે ત્યારથી અનેક વર્ક્સ AEWVની માયાજાળમાં ફસાઇ ચૂક્યા છે. ખાસ કરીને એવા લોકો જે પહેલી જ વાર સીધા જ પોતાના દેશમાંથી ન્યુઝીલેન્ડ AEW વિઝા પર આવ્યા છે. આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જ્યાં વર્કર્સ અને માલિક બંને સુરતના વતની છે. વર્કર્સ પોતે હાલ તો માઇગ્રન્ટ એક્સપ્લોઇટેશનનો શિકાર બન્યો છે અને મામલો ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ પાસે કાર્યવાહી હેઠળ છે.
- AEWV વિઝા હેઠળ સુરતના અને હાલ ન્યુઝીલેન્ડ રહેતા એમ્પ્લોયરે ગુજરાતના આશાસ્પદ યુવકનું શોષણ કર્યું, સપ્તાહના 70-80 કલાક સુધી અન્ય કંપનીઓ માટે કામ કરવા મજબૂર બનાવ્યો.
- હાલ ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ એમ્પ્લોયર સામે શરૂ કરી છે તપાસ, લીગલ નોટિસ મળતા અને ભાંડો ફૂટતાની સાથે જ બિઝનેસનું લિક્વિડેશન કર્યું
- હાલ પીડિત યુવક માઇગ્રન્ટ્સ એક્સ્પ્લોઇટેશન વિઝા હેઠળ
બ્યુટી સ્ટુડિયો, પેટ્રોલ સ્ટેશન, કન્સ્ટ્રક્શન કંપની તથા ઓકલેન્ડ સીબીડી ખાતે વેપ સ્ટોર ધરાવતો હોવા છતાં પણ એક માલિક પોતાના વર્કર્સનું શોષણ કરતાં અટકાતો નથી. આ ન્યુઝ એવા સમયે આવ્યા છે જ્યારે પહેલેથી જ AEWV વિઝાને લઇ અનેક લોકો સામે કાર્યવાહી થઇ રહી છે. જોકે એમ્પ્લોયરે માત્ર 29 વર્ષની વયે પોતાની મહેનતથી ભલે ત્રણ-ચાર બિઝનેસ શરૂ કર્યા હોય પરંતુ તેની આ મહેનત અન્યનું શોષણ કરવાની મંજૂરી નથી આપતી. શોષણ પણ એવું કે જે ફરિયાદ થઇ છે તેમાં 70-80 કલાક સુધી કામ કરાવાયું હતું. જેના વિરોધને પગલે વિઝા કેન્સલેશનની ધમકી આપવામાં આવી હતી.
આપણું ગુજરાત ન્યુઝીલેન્ડ સમગ્ર મામલો હાલ તપાસ હેઠળ હોઇ AEWV વિઝા હોલ્ડરની ઓળખ છતી નથી કરવા માંગતું. જેને પગલે સમગ્ર ન્યુઝ રિપોર્ટ્સમાં અમે તેને સ્નેલ તરીકે ઓળખાવીશું. સુરતનો વતની સ્નેલ અનેક સપનાઓ પોતાના મિત્રોની માફક સેવી રહ્યો હતો કે તે પણ એક દિવસ ન્યુઝીલેન્ડ જઇને સારું જીવન જીવશે. જ્યાં એક દિવસ તેના જ મિત્રએ તેનો સંપર્ક કર્યો કે શું તારે ન્યુઝીલેન્ડ આવવું છે. હવે જ્યારે મિત્રનો જ ફોન આવ્યો હોય કે ન્યુઝીલેન્ડ હવે તારા માટે દુર નથી તેવું સાંભળતા જ સ્નેલની આંખોમાં ચમક આવી ગઇ હતી. હવે જ્યારે સ્કુલ સમયનો જ મિત્ર હોય ત્યારે કોઇપણ વ્યક્તિ વિશ્વાસ સિવાય બીજું કશું મનમાં ન લાવી શકે. ક્યા વિઝા પર આવી શકાશે તે અંગે બંને વચ્ચે ચર્ચા થયા બાદ AEWV વિઝા પર ન્યુઝીલેન્ડ જવાનું નક્કી થયું.
બ્યુટી સ્ટુડિયોના બદલે એમ્પ્લોયરના અન્ય ઠેકાણે કામ કરાવાતું હતું
સ્નેલ નવેમ્બર 2022ના રોજ ઓકલેન્ડ પહોંચ્યો હતો અને આવ્યા બાદ તુરંત બ્યુટી સ્ટુડિયોમાં લેઝર ટેકનિશિયન તરીકે કામ શરૂ કર્યું હતું. જોકે આ પહેલા સ્નેલના મિત્રએ કેટલાક ખર્ચાઓ અને અન્ય વ્યક્તિઓને કમિશન આપવાનું હોઇ 15 લાખ રૂપિયા જેટલી માતબર રકમ માગી હતી. એક તરફ વિઝાની પ્રોસેસ થરૂ થઇ અને બીજી તરફ સ્નેલે 15 લાખ રૂપિયા એકઠા કરવાનું નક્કી કર્યું. બંને વચ્ચે અવારનવાર વોટ્સઅપ પર ચેટ શરૂ થઇ હતી. સ્નેલનો પ્રશ્ન હંમેશા વિઝાને લઇને હોય કે કેટલો સમય લાગશે અને ક્યારે વિઝા આવશે તો બીજીતરફ તેનો મિત્ર પૈસાની વ્યવસ્થા અંગે પૂછપરછ કરતો હતો.
વિઝા માટે 15 લાખમાં ડીલ નક્કી થઇ
જુન 2022માં સ્નેલ અને તેના મિત્ર વચ્ચે ચર્ચાની શરૂઆત થઇ હતી. આ એ સમય હતો જ્યારે AEW વિઝાની ન્યુઝીલેન્ડમાં લ્હાણી થઇ રહી હતી. એક જ એમ્પ્લોયર માટે કામ કરવાનું હોઇ આ વિઝા પહેલા પણ બદનામ હતા અને આજે પણ બદનામ છે. એક બાજુ જ્યાં વિઝાની પ્રોસેસ આગળ વધતી જાય ત્યાં બીજીતરફ પૈસાની લેવડ દેવડ અંગેની ચર્ચા પણ આગળ વધે છે. ધીરેધીરે મિત્રતા બાજુ પર મૂકાઇ રહી છે અને પૈસાની લેવડ દેવડ અંગે ચર્ચા વધુ થવા લાગે છે. જેમ જેમ પ્રોસેસ આગળ વધે છે તેમ તેમ પૈસાની આપ લે થવા લાગે છે. સ્નેલે સૌથી પહેલા 17 નવેમ્બર 2022ના રોજ 5 લાખ રૂપિયા પોતાના મિત્રને આપ્યા હતા. જ્યાં તેના મિત્રએ કહ્યું હતું કે પૈસા મારા સુરત ખાતેના ઘરે મોકલાવી દેજે. આથી સ્નેલે 17 નવેમ્બરે 5 લાખ તથા 23 નવેમ્બરે 4.5 લાખ રૂપિયા આપ્યા હતા. આ તરફ 9મી ડિસેમ્બરે વધુ 50 હજાર રૂપિયા પહોંચાડી દીધા હતા. વિઝા આવ્યા બાદ નવેમ્બરમાં જ સ્નેલ ન્યુઝીલેન્ડ પહોંચી ગયો હતો. જ્યાં પણ નોકરીએ લાગ્યા બાદ પૈસાની આપ લેનો સિલસિલો યથાવત રહ્યો હતો.
ન્યુઝીલેન્ડ પહોંચ્યા બાદ અનેક રહસ્યો પરથી પડદો હટ્યો
સ્નેલે પોતાની આપવીતી જણાવતા આપણું ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે મિત્ર હોવાના કારણે તેણે આંધળો વિશ્વાસ રાખ્યો હતો. તેને લાગ્યું કે વિઝા માટે આ બધું કરવું પડતું હશે. પરંતુ અહીં આવ્યા બાદ સમગ્ર રહસ્ય પરથી પડદો ઉંચકાયો હતો. તેનો મિત્ર એમ્પ્લોયરની માત્ર કથપૂતળી હતો અને સમગ્ર વિઝાના ખેલનો અસલી માસ્ટર માઇન્ડ તેનો એમ્પ્લોયર છે. એમ્પ્લોયરે જ સમગ્ર કહાનીની સ્ક્રિપ્ટ લખી હતી.
રૂપિયા આપવા માટે પરિવારે ઘર વેચી કાઢ્યું
સ્નેલે જણાવ્યું હતું કે ડીલના રૂપિયા માટે સતત દબાણ થઇ રહ્યું હતું. આથી જ તેના પરિવારે ઘર વેચી નાખ્યું હતું અને 21000 ડોલર એકઠા કર્યા હતા. બાકી રકમ જ્યારે ઓકલેન્ડ પહોંચ્યા બાદ આપવાની હતી. જોકે અહીં આવી પહોંચ્યા બાદ તો ચિત્ર કંઇક જુદું જ હતું. જે વાયદા વિઝા કન્ડીશન અને ફોન પર કરવામાં આવ્યા હતા તેનાથી પરિસ્થિતિ સાવ વિપરીત જોવા મળી હતી. મારા એમ્પ્લોયરે મને જોબ આપવાની મનાઇ ફરમાવી અને કહ્યું કે અન્ય સ્થળે તમારે કેશમાં જોબ કરવી પડશે. જેથી એમ્પ્લોયર તેને બેંકમાં પે નાખશે. જ્યારે તેણે આમ કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે તેની મૌખિક ધમકી આપી હતી કે કેટલાક ગેંગ મેમ્બર્સને તે ઓળખે છે અને તને ત્યાં જ લઇ જવો પડશે અને વિઝા પણ કેન્સલ કરવા પડશે. પોતાન એમ્પ્લોયરની ધમકીને પગલે તેણે અઠવાડિયામાં 70-80 કલાક સુધી સિક્યુરિટી ગાર્ડ તથા રેસ્ટોરન્ટમાં કામ કર્યું હતું અને બાકીની રકમ ચુકવી હતી.
સુરાની એસોસિયેટ્સે એમ્પ્લોયરને લીગલ નોટિસ ફટકારી
સ્નેલે જણાવ્યું હતું કે તે હાલ માઇગ્રન્ટ એક્સપ્લોઇટેશન વર્ક વિઝા પર છે અને તેને પહેલા છ મહિના અને હવે છેલ્લી વખત છ મહિનના વિઝા મળ્યા છે. જ્યાં તેના વિઝા આગામી મહિને પૂર્ણ થઇ રહ્યા છે. આ તરફ સુરાની એસોસિયેટ્સના દિલખુશ સુરાની સ્નેલની મદદે આવ્યા છે અને તેમણે સ્નેલના એમ્પ્લોયરને લીગલ નોટિસ 15 જુન 2023ના રોજ ફટકારી છે. જોકે હજુ સુધી તેના એમ્પ્લોયરે આ લીગલ નોટિસનો કોઇ જવાબ આપ્ય નથી. દિલખુશ સુરાનીએ જણાવ્યું હતું કે તેમની કંપની માઇગ્રન્ટ્સ એક્સપ્લોઇટેશનના કેસ વિના વળતરે લડશે. આ ઉપરાંત સ્નેલને કોમ્યુનિટી લોયર દ્વારા એમ્પ્લોયમેન્ટ ઓથોરિટીમાં પણ અપીલ કરવા માટે સલાહ આપી છે.
નોટિસ બાદ એમ્પ્લોયરે કંપનીને લિક્વિડેશનમાં ફેરવવા અરજી કરી
25 જુલાઇ 2023ના રોજ સ્નેલના એમ્પ્લોયરે કંપનીને લિક્વિડેશનમાં ફેરવવા માટે અરજી કરી છે. જ્યાં ગ્રાન્ટ રેયનોલ્ડ્સને લિક્વિડેટર તરીકે નિમવામાં આવ્યા છે. જોકે સવાલ એ જ થઇ રહ્યો છે કે સ્નેલની અરજી બાદ જ કેમ એમ્પ્લોયરને કંપની લિક્વિડેશનમાં નાખવાની ફરજ પડી. આ તરફ સ્નેલે પોતાનું ઘર પણ વેચી કાઢ્યું છે તે હવે ન્યુઝીલેન્ડ ઓથોરિટી પાસે ન્યાયની આશા રાખી રહ્યો છે.
એમ્પ્લોયરે અન્ય ત્રણ યુવક પાસેથી 75 લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ
આ તરફ સ્નેલે દાવો કર્યો છે કે તેના એમ્પ્લોયરે ન માત્ર તેની સાથે જ પરંતુ અન્ય ત્રણ વ્યક્તિઓનું પણ શોષણ કર્યું છે. જ્યાં તેણે ગુજરાતના જ ત્રણ યુવકો સાથે 25-25 લાખ રૂપિયા AEW વિઝા માટે પડાવ્યા છે. જોકે સ્નેલે દાવો કર્યો છે કે તેઓ હાલ મારા એમ્પ્લોયર સાથે કામ નથી કરતા અને અન્ય સ્થળો પર કામ કરવા માટે મજબૂર બન્યા છે. જોકે હાલ તો સ્નેલે એકલે હાથે જ પોતાના એમ્પ્લોયર સામે કાનુની રાહે લડવાનું નક્કી કર્યું છે.
અત્યાર સુધીમાં 246 એક્રેડિટેડ એમ્પ્લોયર પર 255 સક્રિય તપાસ
3 જૂન સુધીમાં, ઇમિગ્રેશનએ 120,472 AEWV અરજીઓ અને 35,264 એક્રેડિટેડ એમ્પ્લોયરને મંજૂરી આપી હતી કે જેઓ તેઓ ઇચ્છે તેટલા સ્ટાફ માટે વર્ક વિઝા મેળવવા માટે સ્કીમનો ઉપયોગ કરી શકે છે. હાલમાં 246 એક્રેડિટેડ એમ્પ્લોયર પર 255 સક્રિય તપાસ ચાલી રહી છે અને 366 તેમની એક્રેડિટેશન રદ્દ કરાયું છે અથવા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
I am also in the same situation and the liquidator of my company is also same. I also want my story to be made public.