ગેરકાયદે ઘૂસણખોરી કરતા મોટાભાગના ઉત્તર ગુજરાતના વતની, તમામ લોકોને ડિપોર્ટ કરાશે, લેટિન અમેરિકાના દેશોમાં થઇ અસાયલમ લેવાનો નિષ્ફળ પ્રયાસ


વિદેશનું વળગણ હજું ભારતીયોમાં ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું અને તેમાંય ઉત્તર ગુજરાતમાંથી અમેરિકા જવાની ઘેલછા ક્યારેય ઓછી નહીં થાય. એકતરફ ચૂંટણીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરત ફરે તેવી શક્યતાઓ વચ્ચે યુએસ-મેક્સિકો બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી વધી ગઇ છે. તાજેતરના જ એક બનાવમાં ગેરકાયદે ઘૂસતા 150 ભારતીયો પકડાયા છે જેમાંના મોટાભાગના ઉત્તર ગુજરાતના વતનીઓ છે.
દિલ્હીનો એજન્ટ હોવાની શક્યતા વધુ
અમેરિકન ઓથોરિટીએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા છે. ઘૂસણખોરી કરવા માટે અસાયલમનું (રાજકીય પાર્ટીથી જોખમ હોવા સહિતનાં કારણો) બહાનું ન ચાલ્યું અને હવે ઝડપાયેલા તમામ લોકોને ભારત ડિપોર્ટ કરાશે. મેક્સિકોમાં દિલ્હીનો એજન્ટે પૈસા લઈ અમેરિકા ઘૂસાડતો હોવાની આશંકા છે. પાસપોર્ટમાં મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર લગાવ્યાં બાદ પહેલા દિલ્હીના એજન્ટોએ બધા પાસેથી રૂપિયા લઈ લીધા હતા.
25 દિવસ પહેલા ગુજરાતથી નીકળ્યા હોવાનો અંદાજ
આ તમામ લોકો ગુજરાતથી 25 દિવસ પહેલા નીકળ્યા હોવાનો અંદાજ છે. જેમાં તેમને સૌથી પહેલા લેટિન અમેરિકાના કોઇ દેશ લઇ જવામાં આવ્યા હતા અને જ્યાં મેક્સિકોનાં ડુપ્લિકેટ લોગોવાળા સ્ટિકરને તેમના પાસપોર્ટ પર ચોંટાડાયું હોવાનું ખૂલ્યું છે. ઉત્તર ગુજરાતમાં અંદરખાને અનેક વાતો વહેતી થઈ છે તેમજ 25 દિવસ અગાઉ વિદેશ ગયેલા લોકોને લઈ શંકા શરૂ થઈ છે.
50થી 80 લાખનો ખર્ચ કર્યો
ગેરકાયદે ઘૂસણખોરી કરવા માગતા તમામ લોકોએ 50થી 80 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હોવાનું બહાર આવ્યું છે. US કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના આંકડા અનુસાર, અમેરિકાની ઈન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરતાં પકડાયેલા કે ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોનો આંકડો 2021માં 30,662 હતો. જે વધીને બીજા વર્ષે 96,917 પર પહોંચી ચૂક્યો હતો. જો કે બોર્ડર ક્રોસ કરવામાં સફળ થયેલા લોકોનો ચોક્કસ આંકડો તો હજુ સુધી ઉપલબ્ધ જ નથી.
Leave a Reply